ઇન્ડિયન રેલવે દેશભરમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન અને ઓક્સિજન સિલિન્ડર્સના પરિવહન માટે ‘ઓક્સિજન એક્સપ્રેસ’ ટ્રેનો દોડાવશે. કોરોના મહામારીમાં ઓક્સિજનની ઊંચી જરૂરિયાતને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવાયો છે તેમ રેલવેએ રવિવારે જણાવ્યું હતું. દેશમાં કોરોનાનો હાહાકાર મચ્યો છે ત્યારે મેડિકલ ઓક્સિજનની માગણી ટોચ પર પહોંચી છે. મુંબઈ નજીકના કલામ્બોલી અને બોઇસર રેલવે સ્ટેશનોમાંથી લિક્વિડ મેડિકલ ઓક્સિજનની હેરફેર વાઇઝેગ, જમશેદપુર, રૂરકેલા અને બોકારો સુધી કરશે તેમ અધિકારીએ કહ્યું હતું.
તેમ રેલવે પ્રધાન પિયૂષ ગોયલે એક ટ્વીટમાં કહ્યું હતું કે ‘રોલ-ઓન-રોલ-ઓફ ટ્રક્સ ઓક્સીજન એક્સપ્રેસ માટે લોડ થઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભારત સરકાર કોરોનાના દર્દીઓની મદદ માટે શક્ય તમામ મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે’ બે રાજ્યોમાંથી વિનંતી મળતા જ રેલવેએ તત્કાળ લિક્વિડ મેડિકલ ઓક્સીજનના પરિવહનની ટેકનિકલ ક્ષમતા ચકાસી હતી. અમને આશા છે કે આગામી ગણતરીના દિવસમાં ઓક્સિજન એક્સપ્રેસની કામગીરી શરૂ કરી દેવાશે. આવી માંગ ઊભી થાય ત્યાં ઓક્સિજન મોકલવામાં આવશે. ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોની ઝડપી હેરફેર માટે ગ્રીન કોરિડોર ઊભા કરાશે’