ભારત સરકારે દેશમાં સરકારી હોસ્પિટલોમાં ૫૫૧ પ્રેશર સ્વિંગ એડ્સોર્પ્શન (પીએસએ) મેડિકલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. દેશમાં કોરોનાવાઇરસના ઝડપથી ફેલાઇ રહેલા રોગચાળાને કારણે અનેક રાજ્યમાં ઓક્સિજનની અછત ઊભી થઇ છે અને ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવા માટે રેલવે તેમ જ હવાઇદળની પણ મદદ લેવાઇ રહી છે.
વડાપ્રધાનની કાર્યાલય (પીએમઓ)એ રવિવારે, 25 એપ્રિલે જણાવ્યું હતું કે પીએમ કેર્સ ફંડમાંથી અપાનારા ભંડોળમાંથી ઓક્સિજનના ઉત્પાદનના પ્લાન્ટ શરૂ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેડિકલ ઓક્સિજનના ઉત્પાદન માટેના આ પ્લાન્ટ બને એટલા જલદી શરૂ કરવાની સૂચના આપી હતી. વડાપ્રધાનની કચેરીએ દાવો કર્યો હતો કે દેશમાં ઓક્સિજનના ઉત્પાદનમાં આ પ્લાન્ટ્સ અનેક ગણો વધારો કરશે. વિવિધ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાંના જિલ્લા વડામથક ખાતે ચોક્કસ હોસ્પિટલમાં ઓક્સિજનના ઉત્પાદનના આ પ્લાન્ટ શરૂ કરાશે.