એનએચએસ ઇંગ્લેન્ડ અને એનએચએસ રેસ એન્ડ હેલ્થ ઓબ્ઝર્વેટરીએ ઓક્સિમીટર્સ બ્લેક અને લઘુમતી વંશીય લોકોમાં ઓક્સિજનની માત્રાનો વધારે પડતો અંદાજ આપી શકે છે એમ જણાવ્યું છે.
લોહીમાં સામાન્ય ઓક્સિજનનું સ્તર 95 થી 100 ટકા વચ્ચે હોય છે. કોવિડ-19થી પીડિત લોકોનું સ્તર 70 થી 80 ટકા સુધી ઘટી જાય છે. જે લોકોના ઓક્સિજનનું સ્તર 92 ટકાથી નીચે આવી જાય છે તેમને તબીબી સારવાર માટે A&E પર જવાની વિનંતી કરવામાં આવે છે. પરંતુ આ મશીન બ્લેક અને લઘુમતી વંશીય લોકોમાં ઓક્સિજનની માત્રાનો વધારે પડતો અંદાજ આપી શકે છે.
ત્વચાના ઘેરા ટોન પર ઓક્સિમીટર્સનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે એટલા સચોટ ન હોવાથી બ્લડ ઓક્સિજન મોનિટરના ઉપયોગ માટે સત્તાવાર એનએચએસ માર્ગદર્શિકામાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોવિડ નિષ્ણાતોને ટાંકીને અહેવાલોમાં જણાવ્યું હતું કે, આ ઉપકરણોમાંથી ફેંકાતા લાઇટના બીમને ચામડીના પીગમેન્ટેશન અને લોહી શોષી લેતા હોવાથી તેના પરિણામ પર અસર થાય છે.
એનએચએસ રેસ એન્ડ હેલ્થ ઓબ્ઝર્વેટરીએ એપ્રિલ માસમાં બ્લેક, એશિયન અને લઘુમતી વંશીય પૃષ્ઠભૂમિના લોકો માટે પલ્સ ઓક્સિમીટર રીડિંગ્સની ચોકસાઈની ભલામણો જાહેર કરી હતી, જેમાં ભ્રામક રીડીંગ અંગે નેશનલ હેલ્થકેર, રગ્યુલેટરી અને રીસર્ચ બોડી માટે શ્રેણીબદ્ધ ભલામણોની રૂપરેખા આપી હતી. ડાર્ક પિગમેન્ટેશન અને સ્કિન ટોન ધરાવતી વ્યક્તિઓના લોહીમાં ઓક્સિજનનું ઉચ્ચ સ્તર બતાવે છે. આથી એનએચએસ ઇંગ્લેન્ડે હવે બ્લેક, એશિયન અને અન્ય વંશીય લઘુમતી જૂથોના દર્દીઓને પલ્સ ઓક્સિમીટરનો ઉપયોગ ચાલુ રાખવા સાથે હેલ્થકેર પ્રોફેશનલની સલાહ લેવા જણાવ્યું છે.