કોરોનાવાયરસને અટકાવવા માટે ઑક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્માસ્યુટિકલ જાયન્ટ એસ્ટ્રેઝેનેકા દ્વારા વિકસિત રસીને બ્રિટનમાં ઉપયોગ માટે મેડિસીન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને સરકારે આ રસી વાપરવા માટેની ભલામણને સ્વીકાર્યા બાદ સોમવાર તા. 4થી એનએચેસ દ્વારા તે રસી આપવાની શરૂઆત પણ થઇ ગઇ છે. વિશ્વભારમાં આ રસી આપનાર એનએચએસ સૌપ્રથમ હેલ્થ ગૃપ બન્યું છે.
આ રસી સખત ક્લિનિકલ ટ્રાયલ અને MHRAના નિષ્ણાતો દ્વારા ડેટાના સંપૂર્ણ વિશ્લેષણને અનુસરે છે. નિષ્કર્ષ બાદ બહાર આવ્યું છે કે આ રસી સલામતી, ગુણવત્તા અને અસરકારકતાના તેના કડક ધોરણોને પૂર્ણ કરે છે અને તે કોવિડ-19 સામે 90 ટકા જેટલું રક્ષણ પૂરું પાડવા માટે સક્ષમ છે.
હેલ્થ સેક્રેટરી, મેટ હેનકોકે આ સમાચારને ઉત્તમ ગણાવતાં સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું કે “આશાની ક્ષણ સાથે 2020નો અંત લાવનાર કોરોનાવાયરસ રસી એ રોગચાળામાંથી બહાર નીકળવાનો માર્ગ છે. હું આજે ખૂબ વિશ્વાસપૂર્વક જણાવું છું કે વસંત ઋતુ સુધીમાં આપણે પૂરતા નબળા લોકોને રસી આપી શકીશું અને હવે આપણે આ રોગચાળામાંથી બહાર નીકળવાનો રસ્તો જોઈ શકીશું. જોકે આગળના થોડાં અઠવાડિયાં મુશ્કેલ જરૂર બનશે. યુકેમાં દરેક પુખ્ત વ્યક્તિને આખરે રસી આપવામાં આવશે.”
સરકારે 50 કરોડ લોકોને રસી આપવા માટે એસ્ટ્રેઝેનેકા સાથે 100 મિલિયન ડોઝનો કરાર કર્યો છે અને વર્ષના પ્રથમ ત્રણ માસમાં કંપનીએ રસીના લાખો ડોઝ સપ્લાય કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
ધ લેન્સેટમાં પ્રકાશિત ડેટા બતાવે છે કે આ રસી કોવિડ-19ને રોકવા માટે 62 ટકા અસરકારક હતી, જેમાં 4,440 લોકોનાં બે પ્રકારના ડોઝ આપવામાં આવ્યા છે. જો કે, સંપૂર્ણ ડોઝ પછી અડધો ડોઝ જેમને આપ્યો હતો તેમને રસીએ 90 ટકા રક્ષણ આપ્યું હતું. ડેટામાં 20,000થી વધુ લોકોના ક્લિનિકલ ટ્રાયલ્સ બાદ સંપૂર્ણ પરિણામો નક્કી કરવામાં આવ્યા છે. જો કે, અપ્રકાશિત ડેટા સૂચવે છે કે પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે લાંબો ગાળો છોડવાથી રસીની એકંદરે અસરકારકતા વધે છે. યુકેમાં કુલ 800,000થી વધુ લોકોને ફાઇઝર-બાયોએનટેકની રસી આપવામાં આવી છે.
એસ્ટ્રાઝેનેકાના ચીફ એક્ઝિક્યુટિવ, પાસ્કલ સોરિઓટે ધ સન્ડે ટાઇમ્સને જણાવ્યું હતું કે ‘’રેગ્યુલેટર્સને સુપરત કરવામાં આવેલા વધુ ડેટામાં દર્શાવવામાં આવ્યું છે કે આ રસી ફાઇઝર / બાયનેટેક અને મોડેર્ના દ્વારા રજૂ કરવામાં આવેલી 95 ટકાની અસરકારકતા સાથે મેળ ખાય છે. અમને લાગે છે કે અમે વિજેતા ફોર્મ્યુલા શોધી કાઢી છે.”
ઑક્સફર્ડ વેક્સીન ગ્રુપના ડિરેક્ટર અને ઑક્સફર્ડ ટ્રાયલના ચિફ ઇન્વેસ્ટીગેટર એન્ડ્ર્યૂ પોલાર્ડે કહ્યું હતું કે “રેગ્યુલેટર્સના એસેસમેન્ટ મુજબ આ સલામત અને અસરકારક રસી છે અને એક સમર્પિત સંશોધનકારોની આંતરરાષ્ટ્રીય અને અમારા ટ્રાયલના સહભાગીઓના વિશાળ પ્રયત્નોનું સમર્થન છે. અમે રોગચાળા સામે આરોગ્ય અને અર્થવ્યવસ્થાઓનું રક્ષણ કરીશું અને શક્ય તેટલી વહેલી તકે સંવેદનશીલ તમામ લોકોને બધે રસી આપવામાં આવે તેની કાળજી રાખીશું.”
સરકારે જાહેરાત કરી છે કે હાલના રસીકરણ કાર્યક્રમની ગતિ જાળવી રાખવા માટે બ્રિટનને ફાઇઝર-બાયોએનટેક રસીની પૂરતી બેચો મળી ચૂકી છે. વૈજ્ઞાનિકોએ પણ એનએચએસ પરનો ભાર ઓછો કરવા માટે પ્રોગ્રામને નોંધપાત્ર વેગ આપવા જણાવ્યું છે. ICU પરના દબાણને રોકવા માટે સાપ્તાહિક રસીકરણનો દર હાલ કરતાં સાત ગણો વધવો જોઇએ.
સરકારના સલાહકાર નીલ ફર્ગ્યુસને જણાવ્યું હતું કે દર અઠવાડિયે રસી આપવા માટે બે મિલિયન ડોઝનું લક્ષ્ય “આપણે ખરેખર ખૂબ જ ઝડપથી મેળવવાની જરૂર છે”. જેની સામે હાલમાં એનએચએસના આંકડા અનુસાર યુકેમાં દર અઠવાડિયે લગભગ 280,000 લોકોનું રસીકરણ કરવામાં આવે છે.
લંડન સ્કૂલ ઑફ હાઇજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના અધ્યયનમાં જણાવાયું છે કે જાન્યુઆરીમાં સ્કૂલ બંધ કરવાની સાથે અને સપ્તાહમાં બે મિલિયન લોકોનું રસીકરણ, ઇંગ્લેન્ડમાં ટિયર 4 પ્રતિબંધો જાળવવામાં આવશે તો જ ICU પરનો ભાર ઓછો થશે. પ્રોફેસર ફર્ગ્યુસને તેને પોતાનું સમર્થન આપ્યું છે.
વિશ્વમાં સૌ પ્રથમ રસીનો ડોઝ લેનાર 91 વર્ષીય માર્ગારેટ કીનન કોવેન્ટ્રી યુનિવર્સિટી હોસ્પિટલમાં ફાઇઝર-બિયોંટેક રસીનો બીજો બુસ્ટર શૉટ મેળવનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા.
50 કરતાં વધુ વયના અને નબળા આરોગ્યની સ્થિતિવાળા નાના પુખ્ત વયના લોકોને આ રસી રોલઆઉટના પ્રથમ તબક્કામાં જ આપવામાં આવશે, જેમની કુલ સંખ્યા 25 મિલિયનથી વધુ છે. આવતા અઠવાડિયાથી 530,000 ડોઝ ઉપલબ્ધ થશે. સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફાઇઝર રસીના 22 કન્સાઇન્મેન્ટ 25 ડિસેમ્બર સુધીમાં મળી જશે. MHRA એ ઑક્સફર્ડ રસીના બે સંપૂર્ણ ડોઝને મંજૂરી આપી છે અને બીજો ડોઝ પહેલા ડોઝ બાદ ચારથી 12 અઠવાડિયા પછી આપવામાં આવે છે. રસીકરણ ઝુંબેશ અતર્ગત હવે શક્ય તેટલા વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવાનું છે.
MHRAના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓએ જોખમો કરતાં લાભો વધારે હોવાથી રસી લઈ શકે છે. જેમને આહાર અને દવાઓની એલર્જી હોય તેમને પણ ફાઈઝર / બાયોએનટેક રસી હવે આપી શકાય છે, પરંતુ રસીમાંના તત્વોથી એલર્જી ધરાવતા લોકોએ તે લેવી જોઈએ નહીં.