ઓક્સફર્ડના કોર્ટ પ્લેસ ફાર્મ, માર્સ્ટન ખાતે આવેલ કાઉન્સિલની માલિકીના સ્પોર્ટ્સ પેવેલિયનના ચેન્જિંગ રૂમને નવા મંદિર અને કોમ્યુનિટી સેન્ટરમાં રૂપાંતરિત કરવા માટે ઓક્સફોર્ડ સિટી કાઉન્સિલે પ્લાનિંગ પરમીશન આપી છે. આ મંદિર માટે લીઝની વિગતોને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
ઓક્સફર્ડ હિન્દુ ટેમ્પલ પ્રોજેક્ટના સ્થાપક અધ્યક્ષ ડૉ. જ્ઞાન ગોપાલે જણાવ્યું હતું કે “અમે કોર્ટ પ્લેસ ફાર્મ ખાતે એક આવકારદાયક હબ બનાવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. જે સમુદાયના સંકલનને મજબૂત કરશે, ભાગીદારી વધારશે. તમામ વિગતોને આખરી ઓપ આપ્યા પછી પ્રવૃત્તિઓ, વર્કશોપ અને એક સમાવિષ્ટ સમુદાય સ્થળ સાથે સ્થાનિક સમુદાયને સેવા આપશે. હું લેબર સાંસદ અને શેડો મિનિસ્ટર એનીલીઝ ડોડ્સ, ઓક્સફર્ડ સિટી કાઉન્સિલના લીડર સુસાન બ્રાઉન, કાઉન્સિલર અઝીઝ અને સ્મિથનો આભાર વ્યક્ત કરૂ છું.’’
ઓક્સફર્ડ સિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે ‘’આ પ્રોજેક્ટ કાયમી સ્થળની તેની આકાંક્ષાને લઈને ઘણા વર્ષોથી હિન્દુ મંદિર સાથે ચર્ચામાં છે.’’
સલામત સમુદાયો માટે કાઉન્સિલના કેબિનેટ સભ્ય અને કાઉન્સિલર શાઇસ્તા અઝીઝે જણાવ્યું હતું કે, “ઓક્સફર્ડશાયરનો હિંદુ સમુદાય ઘણા વર્ષોથી પોતાનો કાયમી આધાર સ્થાપિત કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે અને આ પ્લાનિંગ એપ્લિકેશનની મંજૂરી એ તમામ પ્રચારકો અને ભંડોળ એકત્ર કરનારાઓ માટે સારા સમાચાર છે.”
કોર્ટ પ્લેસ ફાર્મનો જૂનો ફૂટબોલ ચેન્જિંગ રૂમ ઘણા વર્ષોથી બિનઉપયોગી અને અવ્યવસ્થિત પડ્યો રહ્યો હતો જેના માટે હિંદુ મંદિરે બોલી લગાવી હતી.