ઑક્સફર્ડ યુનિવર્સિટીની સૌથી પ્રતિષ્ઠિત ક્રાઇસ્ટ ચર્ચ કોલેજે હિન્દુ તહેવાર દિવાળીની ઉજવણી માટે યોજેલા ડિનરમાં બીફ ધરાવતી હરિબો ગોલ્ડબિયર્સ સ્વીટ્સ આપતાં હિન્દુઓમાં રોષ ફેલાયો છે. કોલેજે તે બદલ માફી માંગી છે. હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે અને ગૌમાંસનું જીલેટીન ધરાવતી સ્વીટ્સ આપવા બદલ ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ ક્રાઇસ્ટ ચર્ચમાં થયેલી ભૂલની ટીકા કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.
યુનિવર્સિટીના ફેસબુકના ‘કન્ફેશન’ પેજ પર એક વ્યક્તિએ લખ્યું હતું કે ‘હવે પછી કોઈ લઘુમતી વિદ્યાર્થીઓ માટે પાંચ સેકંડથી વધુ સમય આપશે કે’. હરિબોની મોટાભાગની સ્વીટ્સમાં ડુક્કરના માંસમાંથી મેળવેલું જિલેટીન હોય છે, જ્યારે મુસ્લિમો માટે કંપનીએ હલાલ ઉત્પાદનો, જેમ કે કોલા બોટલ, ચેરી અને ગોલ્ડબિયર્સ બનાવ્યા છે. અમુક મીટફ્રી એટલે કે વેજીટેરીયન હરિબો પણ મળે છે.
ક્રાઇસ્ટ ચર્ચ કોલેજે ગઈકાલે રાત્રે સ્વીકાર્યું હતું કે સ્વીટ્સની પસંદગીની ‘યોગ્ય રીતે તપાસ કરવામાં આવી નથી’. એક પ્રવક્તાએ કહ્યું હતું કે ‘ક્રાઇસ્ટ ચર્ચમાં દિવાળીની ઉજવણી સામાન્ય સમયમાં વિદ્યાર્થીઓ સાથે મળીને યોજવામાં આવે છે, પરંતુ રોગચાળાને લીધે આ વર્ષે તે સામાન્ય ગોઠવણી થઈ ન હતી. દુર્ભાગ્યવશ, ઇન્ગ્રડીયન્ટ્સ લીસ્ટની યોગ્ય તપાસ કરવામાં આવી ન હોવાથી પ્રથમ ડિનરમાં ખોટી સ્વીટ્સ આપવામાં આવી હતી. આનાથી કોઈ પણ અસ્વસ્થતા થઈ હોવા બદલ અમે દિલગીર છીએ.’