ઉત્તરપ્રદેશના હાપુરમાં AIMIMન વડા અને લોકસભાના સભ્ય અસદઉદ્દીન ઓવૈસીની કાર પર કથિત ગોળીબાર થયા હતા. ઓવૈસી પશ્ચિમ ઉત્તરપ્રદેશ ચૂંટણી સંબંધિત કાર્યક્રમમાં હાજરી આપીને દિલ્હી પરત જઈ રહ્યાં હતા ત્યારે આ હુમલો થયો હતો. ઓવૈસી તેમની ચાર કારના કાફલા સાથે જઈ રહ્યાં હતા ત્યારે ચાર રાઉન્ડ ગોળીબાર થયા હતા.
ઓવૈસીએ દાવો કર્યો હતો કે નેશનલ હાઇવે-24ના હાપુર-ગાઝીયાબાદ વચ્ચેના છિજારસી ટોલ પ્લાઝ નજીક સાંજે છ વાગ્યે આ હુમલો થયો હતો. આ ઘટનામાં કોઇને ઇજા થઈ ન હતી. હાપુર પોલીસે જણાવ્યું હતું કે ગોળીબારની ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પોલીસ ટીમો તેની તપાસ કરી રહી છે.