Ballot Box
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વિદેશમાં રહેતા ભારતીય મતદાતાને ઇલેક્ટ્રોનિકલ પોસ્ટલ બેલેટ મારફત મતદાન કરવાની સુવિધા મળે તેવી શક્યતા છે. ચૂંટણી પંચે વિદેશી ભારતીય મતદારોને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ (ETPBS)નો લાભ આપવાની મંગળવારે સરકારને દરખાસ્ત કરી હતી. હાલમાં આ સિસ્ટમ સર્વિસ મતદાતા માટે ઉપલબ્ધ છે.

કેન્દ્રીય કાયદા મંત્રાલયના લેજિસ્લેટિવ સેક્રેટરીને 27 નવેમ્બરે પાઠવેલા પત્રમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે સર્વિસ મતદાતાના કિસ્સામાં ETPBSના સફળ અમલ બાદ હવે તેને વિશ્વાસ છે કે આ સુવિધા વિદેશી મતદાતાને પણ આપી શકાય છે. ચૂંટણીપંચ લોકસભાની ચૂંટણી અને રાજય વિધાનસભાની ચૂંટણીમાં આ સુવિધાનું વિસ્તરણ કરવા માટે ટેકનિકલ અને વટીવટી રીતે સજ્જ છે. આગામી વર્ષના એપ્રિલથી જૂનમાં આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે.

વિદેશમાં વસતા ભારતીય સમુદાયે પોસ્ટ બેલેટ મારફત મતદાનની માગણી કરી રહ્યો છે, કારણ કે આવા વિદેશી મતદાતા ભારત ખાતેના મતદાન કેન્દ્ર પર આવી શકતા નથી. ચૂંટણી સમયે ભારતમાં આવવા માટે મોટો ખર્ચ થાય છે. આ ઉપરાંત રોજગારી, શિક્ષણ કે બીજી જવાબદારીઓને કારણે વિદેશી મતદાતા ભારતમાં આવીને મત આપી શકતા નથી. કોવિડ-19 સંબંધિત પ્રોટોકોલને કારણે પણ વિદેશી મતદાતા માટે ભારતમાં આવવાનું વધુ મુશ્કેલ બન્યું છે.

ચૂંટણીપંચે નોંધ્યું છે કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ, 1951ની કલમ 62 હેઠળ મતદાર યાદીમાં રજિસ્ટ્રેશન ધરાવતા દરેક નાગરિકને મતાધિકાર મળે છે. તેથી તમામ માન્ય મતદાતા તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તમામ માધ્યમોનો ઉપયોગ કરવો જોઇએ.
ચૂંટણીપંચ પાસેના બિનસત્તાવાર ડેટા મુજબ માત્ર 10,000થી 12,000 વિદેશી મતદાતાએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, કારણ કે તેઓ ભારતમાં આવીને મતદાન કરવા માટે વિદેશી ચલણનો ખર્ચ કરવા માગતા નથી.

ETPBS હેઠળ સર્વિસ વોટરને ઇલેક્ટ્રોનિકલી પોસ્ટલ બેલેટ મોકલવામાં આવે છે. તેઓ આ પોસ્ટલ બેલેટ ડાઉનલોડ કરે છે અને તેમના મતદાન ક્ષેત્રના રિટર્નિંગ ઓફિસરને ખાસ એન્વલોપમાં પરત મોકલે છે. આ પોસ્ટલ બેલેટ મતગણતરીના દિવસના સવારે આઠ વાગ્યા સુધી રિટર્નિંગ ઓફિસરને મળી જાય તે સુનિશ્ચિત કરવાનું હોય છે.

સર્વિસ વોટર્સમાં પોતાના મતદાન ક્ષેત્રથી દૂર પોસ્ટિંગ મળ્યું હોય તેવા લશ્કરી જવાનો, પોલીસ જવાનો, ચૂંટણીના ફરજ પર રહેલા પોલિસ જવાનો, એમ્બેસીનો સ્ટાફ વગેરનો સમાવેશ થાય છે.

ચૂંટણીપંચે વિદેશી મતદાતાને ETPBSનો લાભ આપવા માટે કન્ડક્ટ ઓફ ઇલેક્શન રૂલ્સમાં સુધારો કરવાનું સૂચન કર્યું છે. સર્વિસ મતદાતાને ETPBSનો લાભ આપવા ઓક્ટોબર 2016માં આ નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો. ETPBSથી દૂરના વિસ્તારોમાં પોસ્ટલ બેલેટ મોકલવાનો અને પરત મેળવવાનો સમયગાળો અડધો થઈ ગયો છે.

80 વર્ષથી વધુ ઉંમરના અને વિકલાંગ લોકોને મતદાન માટે પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરવાની છૂટ આપવા માટે ચૂંટણી નિયમોમાં સુધારો થયેલો છે. કોવિડ-19 દર્દીને પણ પોસ્ટલ બેલેટને સુવિધા આપવામાં આવેલી છે. જોકે પોસ્ટલ બેલેટ સિસ્ટમ ETPBSથી અલગ છે.
વિદેશી મતદાતા અંગે ચૂંટણીપંચે જણાવ્યું છે કે આ મતદાતાએ તેઓ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરવા માગે છે તે અંગે રિટર્નિંગ ઓફિસર્સને માહિતી આપવી પડશે. આ પછી રિટર્નિંગ ઓફિસર ચૂંટણી પંચે નક્કી કરેલા માધ્યમ મારફત આ મતદાતાને બેલેટ પેપર ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી મોકલશે.

અગાઉ વિદેશી મતદાતાને પોક્સી વોટિંગની સુવિધા માટે એક ખરડો રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ 2019માં 16 લોકસભાના વિસર્જન સાથે આ બિલ પસાર થઈ શક્યું ન હતું.