સમાચાર એજન્સી-પીટીઆઈના રીપોર્ટમાં જણાવ્યા મુજબ, વેસ્ટ આફ્રિકાના એટલાન્ટિક દરિયાકાંઠે એક બોટ પલટી જતાં 40થી વધુ પાકિસ્તાની નાગરિકો ડૂબી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ સ્થળ યુરોપમાં ઘૂસવા ઇચ્છતા માઇગ્રન્ટ્સ માટે એક મુખ્ય કેન્દ્ર છે.
માઇગ્રન્ટસના અધિકારો માટે કાર્યરત ગ્રુપ- વોકિંગ બોર્ડર્સના જણાવ્યા મુજબ, મોરોક્કો નજીક આવી જ એક દુર્ઘટનામાં ઓછામાં ઓછા 50 લોકોનો મોત થયા પછીના બીજા જ દિવસે આ ઘટના બની હતી, જેમાં ઘણા પાકિસ્તાનીઓનો પણ સમાવેશ થાય છે. આ અંગે વડાપ્રધાન શહેબાઝ શરીફે જણાવ્યું હતું કે, આ કમનસીબ દુર્ઘટના 2 જાન્યુઆરીના રોજ બની હતી, તેમાં 80 જેટલા પ્રવાસીઓ હતો, જેઓ પાકિસ્તાની અને વિદેશીઓ હતા. આ બોટ મોરોક્કોના વિવાદિત પશ્ચિમિ સહારા વિસ્તારના કિનારા પાસે પલટી ગઇ હતી.
પાકિસ્તાનના પ્રેસિડેન્ટ આસિફ અલી ઝરદારીએ આ દુર્ઘટનાના મૃતકો પર શોક વ્યક્ત કરીને માનવ તસ્કરીને નાથવા માટે કડક પગલાં લેવા ભારપૂર્વક જણાવ્યું હતું.
તાજેતરમાં વોકિંગ બોર્ડર્સ દ્વારા મોરોક્કોની દુર્ઘટનામાં 44 લોકોના મોતની માહિતી આપ્યા પછી પ્રેસિડેન્ટ ઝરદારીએ ગત ગુરુવારે મોડી રાત્રે આ નિવેદન આપ્યું હતું.