તાતા સ્ટીલ કંપનીએ યુકેના પોર્ટ ટાલ્બોટ પ્લાન્ટની બ્લાસ્ટ ફર્નેસ (ભઠ્ઠીઓ) બંધ કરવાનો નિર્ણય લીધો હોવાથી 2,800થી વધુ કર્મચારીઓને છુટા કરાશે. કંપનીએ જણાવ્યું હતું કે, કુલ છટણીમાંથી 2500 કર્મચારીઓને આવનારા 18 મહિનામાં છૂટા કરવામાં આવશે. જ્યારે વધુ ૩૦૦ નોકરીઓ ત્રણ વર્ષમાં ઘટાડાશે.
તાતા સ્ટીલે જણાવ્યું હતું કે, નોકરીઓમાં કાપ અંગે ટૂંક સમયમાં ચર્ચા શરૂ થશે. જોકે, કંપનીએ તેના સમય અંગે કોઈ માહિતી આપી ન હતી. નોકરી ગુમાવનારા કર્મચારીઓને 13 કરોડ પાઉન્ડથી વધુનું સપોર્ટ પેકેજ આપવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે, પ્રથમ ફર્નેસ 2024ના મધ્ય ભાગમાં બંધ કરાશે. બાકીની કામગીરી વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં બંધ કરાશે. નોકરીઓમાં ઘટાડો કરારનો ભાગ છે પણ સરકાર સાથેની સમજૂતીને પગલે યુકેના 5,૦૦૦ કર્મચારીઓની છટણી નહીં કરાય. આગામી માર્ચ સુધીમાં જોબ કટની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. આ વિસ્તારની કુલ વસતીમાં પોર્ટ ટાલ્બોટના કર્મચારીઓનો હિસ્સો 12 ટકા છે અને એટલે ઘણા તેમના પરિવારના ભાવિ અંગે ચિંતિત હતા. સરકારે તાતા સ્ટીલને વર્ષે ૩૦ લાખ ટનની નવી ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસના ઇન્સ્ટોલેશન માટે ૫૦ કરોડ પાઉન્ડ આપવા સંમતિ દર્શાવી છે, જે 2027 સુધીમાં કાર્યરત થશે.