સરહદ પર ચીનની આર્મી જેટલો ખતરો છે ચીનના નાણાકીય આક્રમણનો ઉભો થયો છે. ભારતના સત્તાવાળા પણ ચીનના નાણાકીય ખતરાથી ચિંતિત હોય તેમ લાગે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડીની) તપાસમાં આ સનસનીખેજ વિગતોનો ખુલાસો થયો છે.
ઇડી તપાસમાં બહાર આવ્યું છે કે ચીનના કેટલાંક નાગરિકોએ ભારતમાં ગેરકાયદે કંપનીઓએ બનાવીને કરોડો રૂપિયાની આવક એકઠી કરીને તેને ચીનમાં સગેવગે કરી દીધી છે. આ નાણાકીય ગોટાળાની ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (એફઆઇયુ)ને ગંધ પણ આવવા દીધી નથી.
ઇડીના સૂત્રોના જણાવ્યા અનુસાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પ્રારંભમાં ડમી ઇન્ડિયન ડાયરેક્ટર્સનો દુરુપયોગ કરીને ભારતમાં કંપનીઓની સ્થાપના કરાઈ હતી. આ પછી કેટલાંક ચીની નાગરિકો ભારતમાં આવતા હતા અને આ કંપનીઓના ડાયરેક્ટર્સને હોદ્દા લઈ લેતા હતા.
આ ચિંતામાં વધારો થતાં ચીનના અંકુશ હેઠળના સેંકડો મોબાઇલ એપ્સ પર કાર્યવાહી હાથ ધરાઈ છે. આ મોબાઇલ એપ લોન, ડેટિંગ અને સટ્ટાબાજીની કામગીરી કરતા હતા. આવી ચાઇનીઝ નિયંત્રિત કંપનીઓની તપાસ દરમિયાન ઇડીને જાણવા મળ્યું છે કે લોન, ડેટિંગ, સટ્ટો સંબંધિત 100થી વધુ મોબાઇલ એપ કાર્યરત છે. આ મોબાઇલ એપનો અંકુશ ચીનના નાગરિકો પાસે છે. એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર માત્ર સટ્ટાબાજીમાં સંડોવાયેલા મોબાઇલ એપ્સે આશરે રૂ1,300 કરોડની કમાણી કરી છે.
ચીનમાં ગેરકાયદે મની ટ્રાન્સફર બદલ ચાઇનીઝ બેટિંગ અને ડેટિંગ એપ્સના એચએસબીસી બેન્કમાં પડેલા રૂ.47 કરોડની રકમ બે વર્ષ પહેલા ટાંચમાં લેવાઈ હતી. આ પછી ઇડીએ પેટીએમ, કેશફ્રી અને રેઝરપે જેવી પેમેન્ટ ગેટવેઝ પર તપાસ કેન્દ્રીત કરી હતી. આ પેમેન્ટ ગેટવેઝે ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (એફઆઇયુ)ને ઊંચા મૂલ્યના ટ્રાન્ઝેક્શનની માહિતી આપી ન હતી. પેમેન્ટ ગેટવેઝ પરના દરોડા દરમિયાન તેમના વોલેટ્સમાં પડેલા રૂ.17 કરોડના ફંડને ટાંચમાં લેવાયું હતું. આ રકમ ચાઇનીઝ લોન એપ્સ અને સંબંધિત એકમોના માલિકોની હોવાનું માનવામાં આવે છે. આ મોબાઇલ એપ્સ અને તેમના ભારતીય ફેક એકમો જનતા પાસેથી ખંડણી ઉઘરાવવીને તેમને પરેશાન કરતાં હોવાનું પણ બહાર આવ્યું છે.
ઇડીએ જણાવ્યું હતું કે એવી આશંકા છે કે ઓનલાઇન બેટિંગ જેવી પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સંડોવણી ઉપરાંત કંપનીઓનું આ નેટવર્ક તેમના ઓનલાઇન વોલેટ્સ અને નબળી નિયમનકારી સિસ્ટમનો લાભ ઉઠાવીને હવાલા ટ્રાન્ઝેક્શન કર્યા હોવાની પણ શક્યતા છે.