રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના એક ગામડામાં 21 વર્ષની એક આદિવાસી મહિલાને નગ્ન કરી તેની પરેડ કરાવવામાં આવતા આક્રોશ ફેલાયો હતો. પોલીસે હેવાનિયભર આ ઘટનામાં પીડિતાના પતિ સહિત સાત લોકોની ધરપકડ કરી હતી અને અન્ય ચારને અટકાયતામાં લીધા હતાં.
આ ઘટના ગુરુવારે બની હતી અને તેનો વીડિયો વાયરલ થયા પછી પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે જણાવ્યું કે મહિલાનું તેના સાસરિયાઓએ મોટરસાઇકલ પર અપહરણ કર્યું અને તેને ગામમાં લઈ ગયા હતા, જ્યાં ગુરુવારે આ ઘટના બની હતી. પીડિતા અન્ય પુરૂષ સાથે રહેતી હોવાથી તેના સાસરીયાઓ નારાજ હતાં.
ડીજીપી ઉમેશ મિશ્રાએ જણાવ્યું હતું કે પીડિતાએ તેના પતિ કાન્હા ગામેતી ઉપરાંત સૂરજ, બેનિયા, નેટિયા, નાથુ અને મહેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમાં આરોપ છે કે પીડિતાનો પતિ અને બીજા લોકો તેને તેને બળજબરીથી મોટરસાઇકલ પર ઉઠાવી ગયા હતા અને નગ્ન પરેડ કરાવી હતી. પોલીસે પીડિતા પતિ સહિતના લોકો સામે છેડતી કરવી અને મારપીટ કરવાનો ગુનો દાખલ કર્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ નાસી જવાનો પ્રયાસ કર્યો હતો અને ઘાયલ થયાં હતાં. આ ઘટનાની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરવામાં આવી છે.
સીએમ ગેહલોતે જણાવ્યું હતું કે સંસ્કારી સમાજમાં આવી ઘટનાઓને કોઈ સ્થાન નથી. આરોપીઓ સામે ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. તેમણે પીડિતાને રૂ.10 લાખની નાણાકીય સહાય અને સરકારી નોકરીની જાહેરાત કરી હતી. રાજસ્થાન રાજ્ય માનવાધિકાર પંચે પ્રતાપગઢ જિલ્લા પોલીસ અધિક્ષકને મામલાની સંપૂર્ણ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.