Outrage in India against George Soros
Photo by Sean Gallup/Getty Images)

બિલિયોનેર ઇન્વેસ્ટર જ્યોર્જ સોરોસના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગેના એક નિવેદનથી શુક્રવારે મોટો વિવાદ ઊભો થયો હતો. સોરોસે જણાવ્યું હતું કે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની શેરબજારમાં તાજેતરની મુશ્કેલીઓથી ‘ભારતમાં લોકશાહી પુનરુત્થાન’ને વેગ આપશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પ્રશ્નોના જવાબો આપવા પડશે’. સોરોસે દાવો કર્યો હતો કે વડાપ્રધાન મોદી લોકતાંત્રિક નથી અને મુસ્લિમો સામેની હિંસાને કારણે તેમનો ઝડપી ઉદય થયો છે. 92 વર્ષીય જ્યોર્જ સોરોસે ગુરુવારે 2023 મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સમાં ભાષણ આપતી વખતે આગાહી કરી હતી કે ગૌતમ અદાણીની મુશ્કેલીઓથી વડાપ્રધાન મોદી નબળા પડી જશે.

આ નિવેદનની ભારતના પ્રધાન સ્મૃતિ ઇરાનીએ આકરી ટીકી કરી હતી. સ્મૃતિ ઈરાનીએ ભારતની લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં હસ્તક્ષેપ કરતી વિદેશી તાકાતોનો એકજૂથ થઈને જવાબ આપવા ભારતના લોકોને હાકલ કરી હતી.
સોરોસની ટિપ્પણીને ભારતની લોકતાંત્રિક પ્રક્રિયાઓને નષ્ટ કરવાની ઘોષણા ગણાવતા તેમણે જણાવ્યું હતું કે ભારતીયોએ આવી વિદેશી શક્તિઓને હરાવી છે, જેમણે અગાઉ પણ આપણી આંતરિક બાબતોમાં દખલ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ફરી પણ કરશે. હું દરેક ભારતીયને જ્યોર્જ સોરોસને યોગ્ય જવાબ આપવા વિનંતી કરું છું.
સોરોસની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે ભારતની લોકશાહીને જ્યોર્જ સોરોસ સાથે કોઈ લેવાદેવા નથી તથા અદાણી વિવાદ લોકશાહીનું પુનરુત્થાન’ કરશે કે નહીં તે કોંગ્રેસ, વિરોધ પક્ષો અને ભારતની ચૂંટણી પ્રક્રિયા પર નિર્ભર છે. નહેરુનો વારસો સુનિશ્ચિત કરે છે કે સોરોસ જેવા લોકો ચૂંટણી પરિણામો નક્કી કરી શકતા નથી,”

સોરોસ પર આકરા પ્રહારો કરતા કેન્દ્રીય પ્રધાને કહ્યું કે તે એક ‘આર્થિક યુદ્ધ ગુનેગાર’ છે, જેણે ભારત પ્રત્યેનો પોતાનો ખરાબ ઈરાદો જાહેર કર્યો છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડને મુશ્કેલીમાં મુકી દેનારા આ વ્યક્તિને બ્રિટને ઇકોનોમિક વોર ક્રિમિનલ જાહેર કર્યો હતો. આ વ્યક્તિ હવે ભારતની લોકશાહીને તોડવા માગે છે.

વડાપ્રધાન મોદી અદાણી મુદ્દે ચુપ હોવાનો ઉલ્લેખ કરતાં સોરોસે જણાવ્યું હતું કે અદાણીના ઔદ્યોગિક સામ્રાજ્યમાં છેતરપિંડી અને શેરના ભાવમાં ચેડાના આક્ષેપો અંગે વિદેશી રોકાણકારો અને સંસદના પ્રશ્નોના જવાબો આપવા પડશે. મોદી અને અદાણી નજીકના સાથી છે; તેમનું ભાવિ એકબીજા સાથે જોડાયેલું છે. અદાણી એન્ટરપ્રાઇઝે શેરબજારમાંથી ભંડોળ એકત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયા હતા. અદાણી પર સ્ટોક મેનીપ્યુલેશનનો આરોપ છે અને તેમના શેરો પત્તાના મહેલની જેમ તૂટી ગયા છે. મોદી આ વિષય પર મૌન છે, પરંતુ તેમણે વિદેશી રોકાણકારો અને સંસદમાં પ્રશ્નોના જવાબ આપવા પડશે.

લોકશાહી શાસનને પ્રોત્સાહન આપવા માટે ઓપન સોસાયટી ફાઉન્ડેશનની સ્થાપના કરનારા આ હંગેરિયન-અમેરિકન ઉદ્યોગપતિએ આક્ષેપ કર્યો હતો કે પીએમ મોદી કોઈ લોકતાંત્રિક નથી અને મુસ્લિમો સામે હિંસા તેમના ઝડપી ઉદય માટેનું મહત્ત્વપૂર્ણ પરિબળ છે.

 

LEAVE A REPLY