પંચમહાલના પાવાગઢ ટેકરી ખાતે નવનિર્મિત શ્રી કાલિકા માતા મંદિર. (ANI Photo)

પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિ પીઠ મહાકાળી માતાના મંદિરના રિનોવેશન પ્રોજેક્ટ્સ દરમિયાન જૂના પગથિયાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને કથિત રીતે દૂર કરવામાં આવતા જૈન સમાજમાં આક્રોશ ફેલાયો હતો. આ દરમિયાન મૂર્તિ ખંડિત કરાઈ હોવાનો દાવો કરીને જૈન સમાજના સભ્યોએ સુરત, વડોદરા અને હાલોલ સહિતના વિવિધ શહેરોમાં વિરોધી દેખાવો કર્યો હતાં. વિવાદ વકરતા ગુજરાત સરકારે પંચમહાલ જિલ્લાના સત્તાવાળાઓને સદીઓ જૂની જૈન મૂર્તિઓને તેમના મૂળ સ્થાને ફરીથી સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો.

જૈન સમુદાયના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે રિનોવેશન પ્રોજેક્ટ્સના ભાગરૂપે મંદિર ટ્રસ્ટે જૈન તીર્થંકરોની મૂર્તિઓ દૂર કરી હતી. જોકે મંદિર ટ્રસ્ટે સ્પષ્ટતા કરી હતી કે પગથિયા પરના જૂના શેડને દૂર કરતી વખતે મૂર્તિઓ કદાચ વિસ્થાપિત થઈ છે અને પરંતુ ઇરાદાપૂર્વક આવું કરવામાં આવ્યું નથી.

પાવાગઢ તીર્થ વિકાસ સમિતિએ જણાવ્યું હતું કે મંદિર તરફ જવા માટેના જૂના પગથિયાની બંને બાજુ ગોખલામાં 22મા તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત સાત મૂર્તિઓ હજારો વર્ષથી સ્થાપિત છે. જૈનો તેની પૂજા કરે છે. 20 દિવસ પહેલાં આ જૂના પગથિયાને તોડવાની કામગીરી શરુ થઈ ત્યારે જૈનોએ કલેક્ટર અને એએસઆઇને આવેદનપત્ર આપીને ડર વ્યક્ત કર્યો હતો કે આ તોડફોડની કામગીરીમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓને નુકસાન થશે. આ મૂર્તિઓ પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ છે, તેમ છતાં અમારાં આવેદનપત્રની અવગણના કરીને આજે મૂર્તિઓ તોડી નાખવામાં આવી હતી.
સોમવારે વડોદરા સમસ્ત જૈન સંઘના આગેવાનો વડોદરા કલેક્ટરના નિવાસસ્થાને પહોંચ્યા હતાં અને પ્રતિમાઓ પુનઃસ્થાપિત કરવા અને આ કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરતું આવેદનપત્ર આપ્યું હતું. તેવી જ રીતે સુરતમાં પણ સમિતિના સભ્યોએ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટર વિજય રાવલને આવેદનપત્ર આપ્યું હતું.

એક જૈન આગેવાને જણાવ્યું હતું કે “રવિવારે બપોરે આ ઘટના બની હતી, જ્યાં 22મા તીર્થંકર ભગવાન નેમિનાથની મૂર્તિઓ અને 7 અન્ય મૂર્તિઓ તોડીને અન્યત્ર ફેંકી દેવામાં આવી હતી. તેનાથી જૈનોની ભાવનાઓને ઊંડી ઠેસ પહોંચી છે. પાવાગઢ ટ્રસ્ટના હોદ્દેદારો સાથે ચર્ચા ચાલી રહી છે. અમારી માંગ છે કે પ્રતિમાઓ પુનઃસ્થાપિત કરવામાં આવે.

વિવાદ વકરતા રાજ્યના પ્રધાન હર્ષ સંઘવી જણાવ્યું હતું કે પાવાગઢ એક ઐતિહાસિક ભૂમિ છે. પાવાગઢના પર્વતો પર અનેક જૈન તીર્થંકરોની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી. આ મૂર્તિઓ હજારો વર્ષોથી ત્યાં છે. આવી ઐતિહાસિક પ્રતિમાઓ અને ધાર્મિક સ્થળોને તોડી પાડવાનો કોઈ ટ્રસ્ટ, સંસ્થા કે વ્યક્તિને અધિકાર નથી. ગુજરાતના મુખ્યપ્રધાને સુનિશ્ચિત કર્યું છે કે જૈનોની ભાવનાઓને ઠેસ ન પહોંચે. આ પ્રતિમાઓને તેમના મૂળ સ્થાને પુનઃસ્થાપિત કરવી જોઈએ. અમુક કલાકોમાં મૂર્તિઓની પુનઃ સ્થાપના કરવામાં આવશે.

પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અશોકભાઈએ સ્પષ્ટતા કરી હતી કે પ્રશ્નમાં રહેલી મૂર્તિઓની ઈરાદાપૂર્વક તોડફોડ કરવામાં આવી નથી. “જૂના મંદિર તરફ જતા પગથિયાં પર મૂર્તિઓ હતી. 20 દિવસ પહેલા કામ શરૂ થવાનું હતું તે પહેલા જ લોકોને તેમના હટાવવાની જાણ કરવામાં આવી હતી. “માત્ર એક મૂર્તિ તૂટી હતી અને તે ઇરાદાપૂર્વક થયું ન હતું. મૂર્તિને દૂર કરતી વખતે તે તૂટી ગઈ હતી. આ ઉપરાંત આમાંથી કોઈ પણ મૂર્તિની હાલમાં પૂજા કરવામાં આવતી ન હતી.

LEAVE A REPLY