એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે ઓસ્કાર એવોર્ડ માટે પાત્રતા ધરાવતી 301 ફીચર ફિલ્મોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાંચ ભારતીય ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં એસએસ રાજામૌલીની RRR, સંજય લીલા ભણસાલીની ગંગુબાઈ કાઠિયાવાડી, વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સ અને ઋષભ શેટ્ટીની કંતારાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત યાદીમાં પાન નલિનની ફિલ્મ ધ લાસ્ટ શો (છેલ્લો ફિલ્મ શો)નો પણ સમાવેશ કરાયો છે, જેને ભારત તરફથી સત્તાવાર રીતે ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમાં મરાઠી ફિલ્મો મી વસંતરાવ, તુજ્યા સાથી કહી હી, આર માધવનની રોકેટ્રીઃ ધ નામ્બી ઈફેક્ટ, કન્નડ ફિલ્મ વિક્રાંત રોનાનો પણ સમાવેશ થાય છે.
આ યાદીમાં એવી ફિલ્મોનો સમાવેશ થાય છે જે અધિકૃત રીતે વિવિધ કેટેગરીમાં સ્પર્ધા કરી શકે છે પરંતુ માત્ર યાદીમાં સ્થાનથી એવી ખાતરી નથી આપવામાં આવી કે ફિલ્મ એકેડેમી એવોર્ડ્સના અંતિમ નોમિનેશનમાં આગળ વધશે. ફાઇનલ નોમિનેશન 24 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે.
આ દરમિયાન, RRRના ગીત નાચો નાચો એ એકેડેમી પુરસ્કારો માટે શોર્ટલિસ્ટ થનાર પ્રથમ ભારતીય ગીત બન્યું છે. આ ફિલ્મ ગોલ્ડન ગ્લોબ્સમાં બે પુરસ્કારો માટે પણ સ્પર્ધા કરી રહી છે તેમાં બેસ્ટ નોન ઇંગ્લીશ ફિલ્મ અને બેસ્ટ ઓજિનિનલ સોંગનો સમાવેશ થાય છે. 95મો એકેડેમી એવોર્ડ 12 માર્ચ, 2023 ના રોજ લોસ એન્જલસના ડોલી થિયેટરમાં યોજાશે. ટીવી પ્રેઝન્ટર જિમી કિમેલ આ વર્ષે ઓસ્કાર હોસ્ટ કરશે.