અમેરિકાના લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં રવિવાર (27 માર્ચે) યોજાયેલા 94મા ઓસ્કર એવોર્ડસમાં કોમેડી ફિલ્મ ‘કોડા’ને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે, જ્યારે મેન ઈન બ્લેક ફેમ વિલ સ્મિથને ફિલ્મ ‘કિંગ રિચર્ડ’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો અવોર્ડ મળ્યો છે. ‘ધ આઇ ઓફ ટેમી ફાયે’ માટે જેસિકા ચેસ્ટનને શ્રેષ્ઠ અભિનેત્રીનો અવોર્ડ મળ્યો છે. બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મનો અવોર્ડ જાપાનની ફિલ્મ ‘ડ્રાઈવ માય કાર’ને મળ્યો છે.
ફિલ્મજગતના આ સૌથી મોટો એવોર્ડમાં સમારંભમાં શરુઆતથી જ ફિલ્મ ‘ડ્યુન’નો દબદબો જોવા મળ્યો હતો. આ ફિલ્મે છ અવોર્ડ્સ પોતાના નામે કરી લીધા હતા. ભારતીય ફિલ્મ ‘રાઇટિંગ વિથ ધ ફાયર’ ઓસ્કરની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.
આ વર્ષે આઠ પુરસ્કાર ઓફ કેમેરા આપવામાં આવી રહ્યા છે. ઓફ કેમેરા આપવામાં આવેલા આઠ ઓસ્કરમાંથી છ ‘ડ્યુન’ને મળ્યા છે. તેમાં બેસ્ટ ઓરિજિનલ સ્કોર, બેસ્ટ સાઉન્ડ, બેસ્ટ ફિલ્મ એડિટિંગ, બેસ્ટ વીએફએક્સ, બેસ્ટ સિનેમેટોગ્રાફી અને બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન સામેલ છે.
શૉન હેડરને ‘કોડા’ માટે બેસ્ટ અડોપ્ટેડ સ્ક્રીનપ્લેનો ઓસ્કર મળ્યો છે. બિલી એલીશને જેમ્સ બોન્ડના ગીત નો ‘ટાઈમ ટુ ડાઈ’ માટે બેસ્ટ ઓરિજિનલ સોન્ગનો ઓસ્કર મળ્યો છે.
એક્ટર ડાન્સર આરિયાના ડિબોસને ‘વેસ્ટસાઇડ સ્ટોરી’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર મળ્યો છે. આરિયાના પહેલી ક્વીર મહિલા છે જેમને આ અવોર્ડ મળ્યો છે. બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો અવોર્ડ 53 વર્ષના ટ્રોય કોટસૂરને ફિલ્મ ‘કોડા’ માટે મળ્યો છે. બેસ્ટ એનિમેટેડ ફીચર કેટેગરીમાં ડિઝનીની ફિલ્મ ‘એનકાન્ટો’ને ઓસ્કર મળ્યો છે. બેસ્ટ કોશ્ચ્યુમ ડિઝાઈનનો એવોર્ડ જેની બિયાવૈનને મળ્યો છે.
ભારતની ‘રાઇટિંગ વિથ ફાયર’ ફિલ્મ રેસમાં બહાર
ભારતની દલિત મહિલા સંચાલિત એક વર્તમાનપત્રના ઉદભવને દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘રાઇટિંગ વિથ ફાયર’ ઓસ્કર અવોર્ડ્સની બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચરની કેટેગરીમાં એવોર્ડ મેળવી શકી ન હતી. આ કેટેગરીમાં ‘સમર ઓફ સોલ’ને અવોર્ડ મળ્યો છે. રિન્ટુ થોમસના ડાયરેક્ટમાં બનેલી રાઇટિંગ વીથ ફાયર ફિલ્મને ઓસ્કાર રેસમાં કાર્ડ હોર્સ માનવામાં આવતી હતી. તેમાં દલિત મહિલા દ્વારા ચલાવવામાં આવતા એકમાત્ર ભારતના વર્તમાનપત્ર ખબર લહરિયાની કહાની દર્શાવવામાં આવી છે. એવોર્ડ સમારંભ પહેલા આ ફિલ્મ વિવાદમાં આવી હતી, કારણ કે આ વર્તમાનપત્રે લાંબા નિવેદનમાં જણાવ્યું હતું કે આ ડોક્યુમેન્ટરી ચોકસાઇપૂર્વક તેની સ્ટોરી દર્શાવતી નથી.
હુમા કુરેશીનો રોલ ધરાવતી ફિલ્મ ‘ચાહકોની મનપસંદ’ બની
ઓસ્કોર એવોર્ડમાં આ વખતે ચાહકોની મનપસંદ ફિલ્મની નવી કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેટેગરીમાં ચાહકોની મનપસંદ ફિલ્મ તરીકે જૈક સ્નાઈડરની ફિલ્મ ‘આર્મી ઓફ ધ ડેડ’ને અવોર્ડ મળ્યો છે. આ ફિલ્મમાં હુમા કુરૈશીએ ગીતાનો રોલ ભજવ્યો હતો.
શ્રેષ્ઠ ફિલ્મઃ કોડા
શ્રેષ્ઠ અભિનેત્રીઃ જેસિકા ચેસ્ટેન (ધ આઇઝ ઑફ ટેમી ફે)
શ્રેષ્ઠ અભિનેતાઃ વિલ સ્મિથ (કિંગ રિચર્ડ)
શ્રેષ્ઠ ડાયરેક્ટરઃ જેન કેમ્પિયન (પાવર ઓફ ધ ડોગ)
બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મઃ ડ્રાઇવ માય કાર
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ એરિયાના ડેબોસ (વેસ્ટ સાઇડ સ્ટોરી)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ ટ્રોય કોટસર (કોડા)
શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચરઃ સમર ઓફ સોલ
શ્રેષ્ઠ અડેપ્ટેડ સ્ક્રીનપ્લેઃ સિઆન હેડર (CODA)
બેસ્ટ એનિમેટેડ ફીચરઃ એન્કાન્ટો
બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ ગ્રેગ ફ્રેસર (ડ્યુન)
બેસ્ટ સાઉન્ડઃ ડ્યુન
બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મઃ ધ લોંગ ગુડબાય
બેસ્ટ ફિલ્મ એડિટિંગઃ જો વૉકર (ડ્યુન)