ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોનાથી માતા-પિતા ગુમાવનારા અનાથ બાળકોને માસિક રૂ.4,000થી 6,000ની આર્થિક સહાય આપવા માટે શનિવારે બાલસેવા યોજનાની જાહેરાત કરી હતી.
રૂપાણીએ જણાવ્યું હતું કે આવા બાળકોને આરોગ્ય- ઉચ્ચ અભ્યાસ- રોજગારી- તાલીમ- વિદેશ અભ્યાસ માટે લોનમાં પણ અગ્રક્રમ આપવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. 18 વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને માતા-પિતા બંનેનું કોરોનાથી અવસાન થયું હોય તેવા બાળકોને દર મહિને બાળકદીઠ રૂ. 4000ની સહાય અપાશે. તેમ જ અઢાર વર્ષ કે તેથી મોટા બાળકોનો અભ્યાસ ચાલુ હશે તો તેમને 21 વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં બાળકદીઠ માસિક રૂ. 6000ની સહાય આપવામાં આવશે.