મોરબી બ્રિજ દુર્ઘટના અંગે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ ગુજરાત હાઇકોર્ટમાં 5,000 પાનાનો સંપૂર્ણ રિપોર્ટ સુપરત કર્યો હતો. મંગળવારે જારી કરાયેલા અહેવાલમાં આ બ્રિજના સંચાલનની જવાબદારી સંભાળતી ઓરેવા કંપનીના મુખ્ય કર્મચારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યાં હતા.
મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ 30 ઓક્ટોબર, 2022 તૂટી પડ્યો હતો, જેમાં આશરે 135 લોકોનો મોત થયા હતા. રાજ્ય સરકારે આ દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા માટે એક સમિતિની રચના કરી હતી.
SIT અહેવાલમાં જણાવાયું છે કે ઓરેવાના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે અને મેનેજર દીપક પારેખ આ ઘટના માટે સીધી રીતે જવાબદાર છે. તપાસના તારણો પુલના સંચાલન અને સલામતી પ્રોટોકોલમાં શ્રેણીબદ્ધ ક્ષતિઓનો ઉલ્લેખ કરાયો છે. અહેવાલ દર્શાવે છે કે બ્રિજ પર કોઇ એક સમયે વ્યક્તિઓની સંખ્યા પર કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા ન હતાં.
SITના રિપોર્ટમાં જણાવાયું છે કે આ કોઈ અકસ્માત નહોતો પરંતુ મર્ડર છે અને આરોપીઓ સામે આઈપીસીના સેક્શન 302 લગાવવી જોઈએ. ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલ આ કેસમાં મુખ્ય આરોપી છે અને હાલમાં જેલમાં છે. એસઆઈટીના રિપોર્ટના કારણે જયસુખ પટેલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
SITના રિપોર્ટમાં દિનેશ દવે અને દીપક પારેખ સહિતના મેનેજર્સના નામ પણ આપવામાં આવ્યા છે. મોરબીનો ઝૂલતો બ્રિજ રિપેર કર્યા પછી તે ઉપયોગ માટે યોગ્ય છે કે નહીં તેનું કોઈ પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું ન હતું. ઓરેવા કંપનીએ બ્રિજનું સમારકામ કરીને તેનું સીધું ઉદઘાટન કરી દીધું હતું.