અલ્હાબાદ હાઈકોર્ટે શુક્રવારે જ્ઞાનવાપી મસ્જિદ અને વિશ્વનાથ મંદિર વિવાદ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે દરમિયાન મળેલા શિવલિંગના કાર્બન ડેટિંગ કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે ડિસ્ટ્રિક્ટ જજના આદેશને પણ રદ કર્યો હતો, જેમાં ડિસ્ટ્રિક્ટ જજે કાર્બન ડેટિંગની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને શિવલિંગને ખંડિત કર્યા વગર તેની વૈજ્ઞાનિક રીતે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ અરવિંદ કુમાર મિશ્રાની ખંડપીઠે ASIના રિપોર્ટના આધારે કથિત શિવલિંગના વૈજ્ઞાનિક સર્વેની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. વાસ્તવમાં, વારાણસીની સ્થાનિક અદાલતે યથાસ્થિતિ જાળવી રાખવાના સુપ્રીમ કોર્ટના આદેશને કારણે કાર્બન ડેટિંગ ટેસ્ટ કરાવવાની ના પાડી દીધી હતી. કોર્ટના ચુકાદાને અલ્હાબાદ હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
આ શિવલિંગ 16 મે, 2022ના રોજ જ્ઞાનવાપી કેમ્પસના વજુખાનામાંથી મળી આવ્યું હતું. મસ્જિદ સત્તાવાળાઓનું દાવો કર્યો હતો કે તે શિવલિંગ નથી, પરંતુ વજૂખાનાના ફુવારાઓનો એક ભાગ છે. વૈજ્ઞાનિક સર્વે દ્વારા એ જાણવાની જરૂર છે કે કથિત શિવલિંગ કેટલું જૂનું છે, તે ખરેખર શિવલિંગ છે કે બીજું કંઈક. ASIએ ગુરુવારે સીલબંધ કવરમાં કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો.