(ANI Photo)

પૈસા લઇને સંસદમાં સવાલ પૂછવાના મામલામાં લોકપાલે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા સામે સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો છે, એમ ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ બુધવારે જણાવ્યું હતું. આ અંગે પ્રતિક્રિયા આપતા મોઇત્રાએ જણાવ્યું હતું કે એજન્સીનું સ્વાગત છે. તે આવીને મારા જૂતા ગણે.

દુબેએ 21 ઓક્ટોબરે મોઇત્રા વિરુદ્ધ લોકપાલમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં સંસદમાં પ્રશ્નો પૂછવા માટે લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો.

મોઇત્રાએ જણાવ્યું હતું કે સીબીઆઇએ પહેલા અદાણી ગ્રૂપના કથિત કોલસા કૌભાંડની તપાસ માટે એફઆઈઆર દાખલ કરવી જોઈએ. અગાઉ નિશિકાંતે દુબેએ ફરિયાદ કરી હતી કે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના પાસેથી મોંઘી ભેટસોગાદો લઇને અદાણી જૂથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવા માટે મોઇત્રાએ સંસદમાં સવાલ પૂછ્યાં હતાં. આ મામલાની સંસદની એથિક્સ કમિટી તપાસ કરી રહી છે.

દુબેએ એક્સ (ટ્વીટર) પર એક પોસ્ટમાં લખ્યું હતું કે મારી ફરિયાદ પર લોકપાલે આજે રાષ્ટ્રીય સુરક્ષાના ભોગે ભ્રષ્ટાચારમાં સામેલ થવા બદલ આરોપી મહુઆ મોઇત્રા સામે CBI તપાસનો આદેશ આપ્યો છે. જોકે લોકપાલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું ન હતું.

ટીએમસી સાંસદે જણાવ્યું હતું કે CBIએ પહેલા રૂ.13,000 કરોડના અદાણીના કોલસા કૌભાંડ પર FIR દાખલ કરવાની જરૂર છે. રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો એ છે કે કેવી રીતે એફપીઆઈ (ચીની અને યુએઇની કંપની)ની માલિકીની અદાણીની કંપનીઓ ગૃહપ્રધાનની ઓફિસની મંજૂરી સાથે ભારતીય બંદરો અને એરપોર્ટ ખરીદે છે. સીબીઆઈનું સ્વાગત છે, આવીને મારા જૂતા ગણે.

 

 

LEAVE A REPLY