ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 10 નવેમ્બરે જારી કરેલી 160 ઉમેદવારોની યાદીમાં મોરબીના ધારાસભ્ય સહિત ગુજરાત સરકારના પાંચ પ્રધાનોને પડતા મૂકવામાં આવ્યા છે. ભાજપે ઉમેદવારોની યાદીમાં વર્તમાન 38 ધારાસભ્યોને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો છે.
પુલ દુર્ઘટના બની હતી તે મોરબીના ધારાસભ્ય તથા હાલના શ્રમ અને રોજગાર રાજ્ય પ્રધાન બ્રિજેશ મેરજાને પડતા મૂકાયા છે. 2012 અને 2017માં કચ્છ જિલ્લાની ભુજ બેઠક પરથી જીતેલા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યને પણ આ વખતે પાર્ટીએ ટિકિટ નકારી કાઢી છે.
1 અને 5 ડિસેમ્બરે યોજાનારી 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની બે તબક્કાની ચૂંટણી માટે ભાજપે ગુરુવારે તેના 160 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે.
હાલની કેબિનેટમાંથી, ભાજપે રાજ્યના સંસદીય અને વિધાનસભા બાબતોના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન પ્રદિપ પરમાર, શ્રમ અને રોજગાર રાજ્યપ્રધાન બ્રિજેશ મેરજા, પરિવહન રાજ્યમંપ્રધાન અરવિંદ રૈયાણી અને સામાજિક ન્યાય અને અધિકારીતાના રાજ્યપ્રધાન આરસી મકવાણાને ટિકિટ નકારી કાઢી છે.રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી થોડા મહિના પહેલા જ મહત્ત્વપૂર્ણ રેવન્યુ પોર્ટફોલિયો છીનવી લેવામાં આવ્યો હતો.
આ વખતે જે 38 ભાજપના ધારાસભ્યોને ટિકિટ નકારી કાઢવામાં આવી છે તેમાં ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણી તથા સાત એવા ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે જેઓ 2017 અને 2021 વચ્ચે પ્રધાન તરીકે રૂપાણીની કેબિનેટનો ભાગ હતા. સપ્ટેમ્બર 2021 માં રૂપાણી અને તેમના સમગ્ર પ્રધાનમંડળને બદલી નાંખવામાં આવ્યું હતું. તે પછી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સંપૂર્ણપણે નવા કેબિનેટની રચના કરવામાં આવી હતી.
અગાઉની કેબિનેટમાંથી જેમની આ વખતે વિચારણા કરવામાં આવી નથી તેમાં પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પૂર્વ પ્રધાનો આરસી ફાલ્દુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, કૌશિક પટેલ, વાસણ આહીર અને ધર્મેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. રૂપાણી અને નીતિન પટેલે બુધવારે રાત્રે જાહેરાત કરી હતી કે તેઓ આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી નહીં લડે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી કે તેઓ આગામી ચૂંટણી માટે ટિકિટ માંગશે નહીં.