Piyush Goyal and Anne-Marie
(ફાઇલ ફોટો) નવી દિલ્હીમાં 13 જાન્યુઆરે ભારત અને યુકે વચ્ચેની મુક્ત વેપાર સમજૂતીના પ્રારંભ વખતે ભારતના વેપાર અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને યુકેના તત્કાલિન આંતરરાષ્ટ્રીય વેપાર પ્રધાન એની-મેરીટ્રાવેલિને અભિનંદન આપ્યા હતા.(ANI Photo)

યુકે અને ભારત વચ્ચે મુક્ત વેપાર સમજૂતી (એફટીએ)ને આખરી ઓપ આપવા માટે બંને દેશોના અધિકારીઓ તડામાર કામગીરી કરી રહ્યાં છે અને બંને દેશોને દિવાળી સુધીની મહેતલ સુધી આ મહત્ત્વકાંક્ષી સમજૂતી કરવાનો ઊંચો આશાવાદ પ્રવર્તે છે.

ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશનર એલેક્સ એલિસે એક ઇવેન્ટમાં મંગળવાર 20 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે દિવાળીની ઉજવણી કરવાનો શ્રેષ્ઠ માર્ગ ભારત અને યુકે વચ્ચે સારી મુક્ત વેપાર સમજૂતી હશે. દિવાળી સુધી એફટીએ થવાની ઊંચી આશા છે. તે શુભતારીખ પણ છે. એફટીએના સંદર્ભમાં ભારત માટે દિવાળી ધમાકાની ધારણા રાખી શકાય કે નહીં તેવા પ્રશ્વનના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે હું આવી આશા રાખીશું.

ભારતના વેપાર પ્રધાન પીયૂષ ગોયલે પણ નવી દિલ્હીમાં 20 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે યુકે અને ભારત એફટીએ માટે દિવાળીની ડેડલાઇન માટે ઝડપથી કામગીરી કરી રહ્યાં છે. ઓગસ્ટમાં મંત્રણાનો પાંચમો રાઉન્ડ પૂરો થયો છે. બે દિવસ પહેલા યુકેનો એક પત્ર મળ્યો હતો જેમાં દિવાળીની મહેતલને વળગી રહેવાનો પુનોચ્ચર કરવામાં આવ્યો હતો.
બીજી તરફ આ ટ્રેડ સમજૂતીના શિલ્પી ગણાતા યુકે ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (UKIBC)ના એક્ઝિક્યુટિવ ચેરમેન રિચર્ડ હીલ્ડે ગુરુવાર, 22 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે ભારત અને યુકે વચ્ચેની સૂચિત સર્વગ્રાહી મુક્ત વેપાર સમજૂતી (FTA)માટેની દિવાળી સુધીની મહેતલને હાંસલ કરવા બંને દેશોની નેગોશિયેશન ટીમો રાતદિવસ કામગીરી કરી રહી છે. બંને દેશના વડાઓએ દિવાળી એટલે કે 24 ઓક્ટોબર સુધી એફટીએ પર હસ્તાક્ષર કરવાની સમયમર્યાદા નિર્ધારિત કરી છે.

તેમણે જણાવ્યું હતું કે આ સમજૂતીથી સંયુક્ત સાહસો અને દ્વિપક્ષીય રોકાણને વેગ મળી શકે છે. નેગોસિયેશન્સ ટીમો હવે મંત્રણાના રાઉન્ડ કરી રહી નથી. તેઓ સમજૂતીને આખરી ઓપ આપવા માટે 24X7ના ધોરણે કામગીરી કરી રહ્યાં છે.

તેમણે જણાવ્યું હતું કે આ સમજૂતી થઈ ગયા પછી યુકેની કંપનીઓ રિન્યુએબલ એનર્જી, ઓટો, એજ્યુકેશન, હેલ્થકેર અને ડિફેન્સ ક્ષેત્રોમાં ભારતની કંપનીઓ સાથેના સહકારમાં વધારો કરવા માટે આતુર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિનાના પ્રારંભમાં યુકેના વડાપ્રધાન લીઝ ટ્રસ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી તથા તમામ ક્ષેત્રોમાં ઇન્ડિયા-યુકે સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.

ભારત આ સમજૂતી મારફત લેધર, ટેક્સટાઇલ્સ, જ્વેલરી અને ફૂડ પ્રોડક્ટ્સની નિકાસ વધારા માગે છે. આ ઉપરાંત ભારત વિદ્યાર્થીઓ અને બિઝનેસમેન માટે વધુ ઉદાર વિઝા નીતિ ઇચ્છે છે. યુકેમાં ભારતની મર્ચેન્ડાઇસ નિકાસ 2021-22ના નાણાકીય વર્ષમાં 28 ટકા વધીન 10.5 બિલિયન ડોલર થઈ હતી, જ્યારે આયાત વધીને સાત બિલિયન ડોલર થઈ હતી.

મુક્ત વેપાર સમજૂતી માટે બંને દેશોએ આ વર્ષના જાન્યુઆરીમાં મંત્રણા ચાલુ કરી હતી. આ સમજૂતીનો હેતુ 2030 સુધા દ્વિપક્ષીય વેપાર બમણો એટલે કે 100 બિલિયન ડોલર કરવાનો છે.

હીલ્ડે જણાવ્યું હતું કે યુકેઆઇબીસીને ધારણા છે કે આ સમજૂતીમાં ડેટા પ્રોટેક્શન જેવા સંવંદનશીલ મુદ્દા ઉપરાંત વેપાર સિવાયના અવરોધને પણ દૂર કરાશે અને ઇઝઓફ ડુંઇંગ બિઝનેસની સુવિધા મળશે. તેમણે જણાવ્યું હતું કે ભારતની અગ્રણી કંપનીઓ તેમની પોતાની ટેકનોલોજી અને ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હિકલ્સની બેટરી વિકસિત માટે બ્રિટનમાં રિસર્ચ એન્ડ ડિઝાઇન ફેસિલિટી ઊભી કરી રહી છે.

LEAVE A REPLY