લોકસભાની ચૂંટણીના રિઝલ્ટ પછી નવી દિલ્હીમાં બુધવારે યોજાયેલી વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની પ્રથમ બેઠક પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી હતી કે વિપક્ષી ગઠબંધન હાલમાં સરકાર રચવાનો દાવો કરશે નહીં, પરંતુ યોગ્ય સમયે યોગ્ય પગલાં લેશે. વિપક્ષી નેતાઓએ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના ભાજપના ફાસીવાદી શાસન સામે લડત ચાલુ રાખવાનો સંકલ્પ લીધો હતો અને ઇન્ડિયા બ્લોકને જબરજસ્ત સમર્થન બદલ લોકોનો આભાર માન્યો હતો.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે બંધારણના આમુખમાં સમાવિષ્ટ મૂલ્યો પ્રત્યે મૂળભૂત પ્રતિબદ્ધતા ધરાવતા તમામ પક્ષોને ઇન્ડિયા બ્લોક આવકારશે. ચૂંટણીનો જનાદેશ મોદી અને તેમની રાજનીતિના વિરુદ્ધમાં છે. તે સ્પષ્ટ નૈતિક હાર હોવા ઉપરાંત વ્યક્તિગત રીતે મોદીની એક મોટી રાજકીય હાર છે. જોકે મોદી લોકોની ઇચ્છાનો વિધ્વંસ કરવા માટે પ્રતિબદ્ધ છે.
ગઠબંધનના તમામ ઘટક પક્ષોએ અપનાવેલું નિવેદન વાંચતાં ખડગેએ જણાવ્યું હતું કે ભાજપ સરકારથી મુક્તિ મેળવવાના લોકોની અપેક્ષાને સાકાર કરવા અમે યોગ્ય સમયે યોગ્ય પગલાં લઇશું. ઇન્ડિયા બ્લોકના તમામ ઘટકો પક્ષોએ સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે. કોંગ્રેસ અધ્યક્ષે લોકસભાની ચૂંટણી પછી સરકાર રચનાની શક્યતાને ચકાવવા તથા જૂના ભાગીદારો નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુનો સંપર્ક કરવો કે નહીં તેનો નિર્ણય કરવા માટે આ બેઠક બોલાવી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે એનડીએના સાથીપક્ષો ટીડીપી અને જેડીયુએ વિપક્ષી છાવણીમાં સામેલ થવાની અટકળોને અગાઉ નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે તેઓ એનડીએમાં જ રહેશે. જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અને કેટલાક અન્ય પક્ષના નેતાઓ પહેલેથી જ તેમને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે અને સંપર્કમાં છે