એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટી ગણાવતા ધારાવીના રિડેવલપમેન્ટ માટે ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રૂપને પ્રોજેક્ટ્સ આપવામાં આવ્યો છે. વિરોધ પક્ષો મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે. અગાઉ કોંગ્રેસે આ પ્રોજેક્ટનો વિરોધ કરીને જણાવ્યું હતું કે મોદી સરકારે આ પ્રોજેક્ટમાં અદાણી ગ્રૂપની તરફેણ કરી છે.
હવે મુદ્દે શિવસેના (UBT)ના નેતા ઉદ્ધવ ઠાકરે 16 ડિસેમ્બરે અદાણી ગ્રૂપની મુંબઈ ઓફિસ સામે વિરોધ પ્રદર્શન કરશે. ઠાકરેએ આક્ષેપ કર્યો હતો કે આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં સરકારે અદાણી ગ્રૂપની દેખિતી રીતે તરફેણ કરી છે. ધારાવી પુનઃવિકાસ પ્રોજેક્ટ માટે અદાણી જૂથની તરફેણમાં ઘણા શંકાસ્પદ નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમાં TDR (ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ)ના વેચાણની કલમ પણ સામેલ છે.
તેનાથી અદાણી જૂથને મોટો લાભ થશે. ધારાવી વિસ્તારના રહેવાસીઓના હિતનું રક્ષણ કરવા માટે શિવસેના 16 ડિસેમ્બરે અદાણી ગ્રૂપની ઓફિસ તરફ વિરોધ રેલી કાઢશે. મહારાષ્ટ્ર સરકારે જુલાઈમાં ઔપચારિક રીતે 259 હેક્ટરનો ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અદાણી ગ્રુપની કંપનીને આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શિવસેના (UBT)ના સાથી પક્ષ કોંગ્રેસે ગયા મહિને મુંબઈમાં એક વિરોધ રેલીનું આયોજન કર્યું હતું જેમાં વર્ક ઓર્ડર જારી કરવામાં વિસંગતતાઓ હોવાનો આક્ષેપ કરીને ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગણી કરી હતી.