લોકસભાની ચૂંટણીના ચાર જૂને રિઝલ્ટ પહેલા વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની શનિવારે નવી દિલ્હીમાં એક બેઠક યોજાઈ હતી. આ પછી વિપક્ષી નેતાઓએ દાવો કર્યો હતો કે વિપક્ષી ગઠબંધનને ચૂંટણીમાં 295થી વધુ બેઠકો મળશે, જે નવી સરકારની રચના માટે પૂરતી છે.
અઢી કલાકની બેઠક પછી કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકોના પ્રતિસાદ પછી ઇન્ડિયા બ્લોક આ આંકડો પર પહોંચ્યો છે. ગઠબંધનના નેતાઓ તેમના નિવાસસ્થાને મળ્યા હતાં અને 4 જૂને મતગણતરીના દિવસે કઇ સાવચેતીઓ રાખવી તે સહિત અનેક મુદ્દાઓ પર વિચારવિમર્શ કર્યો હતો. આ બેઠકમાં પક્ષના કાર્યકરોને મતગણતરીની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી મતગણતરી હોલમાંથી બહાર ન નીકળવા સૂચના અપાઈ હતી. વિપક્ષી દળોએ રવિવારે ચૂંટણી પંચ સમક્ષ તેમની ચિંતાઓ રજૂ કરવા માટે સમય પણ માંગ્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનને 295થી વધુ બેઠકો મળશે. અમે અમારા તમામ નેતાઓ સાથે વાતચીત કર્યા પછી આ આંકડા પર પહોંચ્યા છીએ. આ લોકોનો સર્વે છે. લોકોએ આ માહિતી અમારા નેતાઓને આપી છે. સરકારના અને તેમના મીડિયા મિત્રો પણ આંકડાઓ વધારીને બહાર પાડે છે. તેથી અમે તમને વાસ્તવિકતા વિશે જણાવવા માંગીએ છીએ. સરકારના એક્ઝિટ પોલ દ્વારા ભાજપ એક માહોલ બનાવવા માગે છે અને અને અમે લોકોને સત્ય કહેવા માંગીએ છીએ.
આ બેઠકમાં શરદ પવાર, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, અનિલ દેસાઈ, સીતારામ યેચુરી, અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા, ચંપાઈ સોરેન, કલ્પના સોરેન, ટી આર બાલુ, ફારૂક અબ્દુલ્લા, ડી રાજા, ડીપનકર ભટ્ટાચાર્ય, જિતેન્દ્ર આવ્હાડ અને મુકેશ સહાની હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં કોંગ્રેસના નેતાઓ ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર હતા.
કેજરીવાલે કહ્યું કે દરેક જગ્યાએથી પ્રતિસાદ લીધા પછી અમે માનીએ છીએ કે ઇન્ડિયા બ્લોક 295થી વધુ બેઠકો જીતશે, જ્યારે ભાજપને 220 બેઠકો મળશે. એનડીએને લગભગ 235 બેઠકો મેળવશે. અખિલેશ યાદવે કહ્યું હતું કે ઇન્ડિયા બ્લોક સરકાર બનાવવા જઈ રહ્યો છે.