તૃષ્ટીકરણની રાજનીતિ પર વિપક્ષી ગઠબંધન પર આકરો પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે દલિત અને પછાત વર્ગોના અનામતના હકો છીનવી લઇને તેને મુસ્લિમોને આપવાની વિપક્ષની યોજનાઓને તેઓ નિષ્ફળ બનશે. વિપક્ષ તેમની વોટબેન્કના ગુલામ રહી શકે અને તેને ખુશ કરવા માટે ‘મુજરા’ કરી શકે છે. બીજી તરફ વડાપ્રધાન પર પ્રહાર કરતાં વિપક્ષે જણાવ્યું હતું કે માછલી, મટન, મંગળસૂત્ર અને ‘મુજરા’.. શું આ PMની ભાષા છે? મુજરા ટીપ્પણી બદલ કોંગ્રેસ, ટીએમસી, આરજેડી, સપા સહિતના વિરોધ પક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતાં દાવો કર્યો હતો અને વડાપ્રધાન મોદી નિરાશ થઈ ગયા છે અને હવે આવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યાં છે.
બિહારમાં એક પછી બીજી ચૂંટણી રેલીઓને સંબોધિત કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે બિહાર એક એવી ભૂમિ છે, જેને સામાજિક ન્યાયની લડાઈને એક નવી દિશા આપી છે. હું આ ધરતી પર ઘોષણા કરવા માંગુ છું કે હું SC, ST અને OBCને તેમના અધિકારો છીનવી લેવાની અને તેને મુસ્લિમો તરફ વાળવાની ઈન્ડિયા બ્લોકની યોજનાઓને નિષ્ફળ બનાવીશ. તેઓ ગુલામ રહી બની શકે છે અને તેમની વોટબેંકને ખુશ કરવા માટે ‘મુજરા’ કરી શકે છે.
મોદીએ આક્ષેપ કર્યો હતો કે પંજાબ અને તેલંગાણામાં કોંગ્રેસના નેતાઓ, તમિલનાડુમાં ડીએમકે, પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતાઓની પરપ્રાંતિય કામદારો વિરુદ્ધની અપમાનજનક ટિપ્પણીઓથી બિહારના લોકો દુખી છે. આ આરજેડી લોકો ફાનસ (ચૂંટણી પ્રતિક) સાથે ‘મુજરા’ કરે છે. તેઓમાં વિરોધમાં એક શબ્દ બોલવાની પણ હિંમત નથી. વિપક્ષી ગઠબંધન એવા લોકોના સમર્થન પર આધાર રાખે છે કે જેઓ વોટજેહાદમાં સામેલ છે. મોદીએ ઓબીસીની યાદીમાં સંખ્યાબંધ મુસ્લિમ ગ્રુપોને સામેલ કરવાના પશ્ચિમ બંગાળ સરકારના નિર્ણયને રદ કરતાં કોલકાતા હાઇકોર્ટના આદેશનો ઉલ્લેખ કર્યો હતો.
મોદીએ દાવો કર્યો હતો કે વિપક્ષી ગઠબંધનએ નિર્ણય કર્યો છે કે જો તેઓ સત્તા પર આવશે તો તેઓ સૌથી પહેલું કામ બંધારણમાં ફેરફાર કરવાનું છે, જેથી કરીને મુસ્લિમોને અનામત આપવાના તેમના પ્રયાસોને કોર્ટ પણ રદ કરી ન શકે. હું તેમને લેખિતમાં ખંડન કરવા માટે પડકાર ફેંકું છું, પરંતુ તેઓ તૈયાર થતાં નથી. તેમણે યાદવ સહિત અનેક વંચિત જાતિઓનો ઉલ્લેખ કર્યો હતો કે જેઓ જો ઇન્ડિયા બ્લોક તેની યોજનાઓમાં સફળ થાય તો તેમના બંધારણીય અધિકારો ગુમાવવા પડશે.
મોદીની ટિપ્પણી પર તીખી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ જણાવ્યું હતું કે આજે મેં વડાપ્રધાનના મોંઢામાંથી ‘મુજરા’ શબ્દ સાંભળ્યો. મોદીજીના મનની સ્થિતિ શું છે? અમિત શાહ અને જેપી નડ્ડાજીએ તેમની તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ. કદાચ સૂર્યની આકરી ગરમીમાં ભાષણ કરવાથી તેમના મગજને ઘણી અસર થઈ છે.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાકેત ગોખલેએ કહ્યું હતું કે નારી શક્તિથી હવે આ વ્યક્તિ ‘મુજરા’ જેવા શબ્દોનો ઉપયોગ કરવા પર ઉતરી આવ્યાં છે. આરજેડીના મનોજ ઝાએ કહ્યું કે તેઓ પીએમ મોદી શું કહી રહ્યાં છે, તેનાથી ચિંતિત બન્યાં છે. માછલી, મટન, મંગળસૂત્ર અને ‘મુજરા’… શું આ પીએમની ભાષા છે?
શિવસેના (UBT)ના પ્રિયંકા ચતુર્વેદીએ પીએમના ભાષણનો વીડિયો ક્લિપ શેર કરતા લખ્યું હતું મોદીજી, જલ્દી સ્વસ્થ થઈ જાઓ. આજે જ્યારે છઠ્ઠા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે અને આગામી તબક્કા માટે પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે ભાજપ નિરાશ થઈ ગયો છે. સમાજવાદી પાર્ટીના પ્રવક્તા ફખરુલ હસન ચાંદે કહ્યું હતું કે આજે છઠ્ઠા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે અને આગામી તબક્કા માટે પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે ભાજપ નિરાશ થઈ ગયો છે. તેમની ભાષા બદલાઈ ગઈ છે અને તેઓ હવે ‘મુજરા’ વિશે વાત કરી રહ્યા છે. ભાજપ પાસે લોકોના પ્રશ્નોનો કોઈ જવાબ નથી અને માત્ર લોકોને ગેરમાર્ગે દોરવા માંગે છે.