BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ન્યૂજર્સીના રોબિન્સવિલેમાં 16 જુલાઇના રોજ સંસ્થાનના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફેસ્ટિવલ ઓફ ઇન્સ્પિરેશન્સ (પ્રેરણાઓનો મહોત્સવ) નો પ્રારંભ કરાયો હતો, આ અવસરે રોબિન્સવિલેના મેયર ડેવિડ ફ્રાઇડ પણ હાજર રહ્યા હતા.

આ મહોત્સવમાં સમૃદ્ધ વૈવિધ્ય, કળા, સ્થાપત્ય, મૂલ્યો અને હિન્દુ સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી. આ મહોત્સવમાં મંત્રમુગ્ધ કરતા નૃત્ય અને આત્માને ઉત્તેજિત કરનારા કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર હતા. ઉત્તર અમેરિકાથી આવનારા મહેમાનોને માનવીય લાગણીથી પ્રેરિત અને પ્રજ્વલિત કરતા મનનીય પ્રવચનોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરાયા હતા.

બીએપીએસનાં વિમેન્સ એક્ટિવિટીઝ નેશનલ કોર્ડિનેટર અલક પરમારે જણાવ્યું હતું કે, “આ પ્રેરણાનો ઉત્સવ જીવનના તમામ ક્ષેત્રના લોકો માટે એક મંચ તરીકે કાર્ય કરે છે. સાંસ્કૃતિક પ્રદર્શનો અને પ્રેરણાદાયી કથાનકો દ્વારા, અમારું લક્ષ્ય વ્યાપક રીતે તમામને જોડવાનું છે, જે બધા પર અર્થપૂર્ણ અસર ઊભી કરે છે. આ મહોત્સવ દરેકને કરુણા, સમજ અને સંવાદિતાથી ભરપૂર જીવન જીવવા માટે પ્રેરણા અને સશક્તિકરણ પ્રદાન કરશે.”

આ ફેસ્ટિવલમાં યુવાનો, પ્રોફેશનલ્સ અને સમુદાયના સભ્યો માટે અનોખા કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જેનો ધ્યેય પ્રેરણા અને ઉત્થાનનો છે. આ મહોત્સવ દરમિયાન રક્તદાન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જે સમાજને કઈંક પરત આપવાની ભાવનાને પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત પોતાની જાત સાથે શાંતિ અને સંવાદિતા માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરવા માટે ત્રણ મહિના ચાલનારો પરંપરાગત વૈદિક યજ્ઞ કરાશે.

પ્રેરણાનો આ ઉત્સવ એ મૂલ્યોની ઉજવણી કરે છે જે નવા BAPS સ્વામિનારાયણ અક્ષરધામ દ્વારા પણ મૂર્તિમંત છે. હિન્દુ સ્થાપત્ય અને સંસ્કૃતિનું આ સીમાચિહ્ન પ્રાચીન ભારતના સમૃદ્ધ વારસાને અમેરિકાની ધબકતી આધુનિકતા સાથે જોડે છે.

ધર્મસ્થાન હોવા ઉપરાંત, BAPS સ્વામિનારાયણ અક્ષરધામ એક ગતિશીલ સમુદાય કેન્દ્ર તરીકે પણ સેવા આપશે, વિવિધ સમુદાયના લોકોને આવકારશે.
આ કાર્યક્રમની શરૂઆત ઉત્સાહપૂર્ણ ભક્તિ ભજન, પરંપરાગત નૃત્યો તેમ જ મૂલ્યો અને મહોત્સવના મહત્વ અંગેના પ્રવચન સાથે થઈ હતી. પૂજ્ય આનંદસ્વરૂપદાસ સ્વામીએ અને સદગુરુ પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ આવા મહોત્સવનું અને મૂલ્યોનું મહત્ત્વ સમજાવ્યું હતું. ત્રણ મહિના ચાલનારા આ ઉત્સવનું ઉદ્ઘાટન પ. પૂ. મહંતસ્વામી મહારાજે કર્યું હતું.

BAPS રોબિન્સવિલેના અગ્રણી સ્વયંસેવક ચંદ્રેશ પટેલે જણાવ્યું હતું કે, “અમે રોબિન્સવિલે સમુદાયને તેમના અતૂટ સમર્થન માટે અને BAPS સ્વામિનારાયણ અક્ષરધામની ઉષ્માસભર સ્વીકૃતિ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.”

મર્યાદિત જગ્યાને કારણે, આ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે અગાઉથી નોંધણી કરાવવી જરૂરી છે. આ ઉપરાંત વિવિધ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ https://na.baps.org પર નિહાળી શકાશે. દરરોજના કાર્યક્રમોની માહિતી baps.org/robbinsville પરથી મળી શકશે.

LEAVE A REPLY