હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીએ ‘ગરવી ગુજરાત’ને આપેલ એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘’યુકેમાં વસતા અંદાજે 5.5 મિલિયન બ્રિટિશ એશિયનો NHS અને કોમ્યુનિટી ફાર્મસીમાં સેવા આપવાથી લઈને, બ્રિટનની ઉદ્યોગસાહસિક ભાવના માટે ધ્વજ લહેરાવવા સુધી આપણા રાષ્ટ્રીય જીવનમાં અદ્ભુત યોગદાન આપે છે. બ્રિટિશ એશિયનો બ્રિટનને વિશ્વની સૌથી સફળ બહુ-વંશીય લોકશાહી બનાવવામાં મદદ કરે છે. કન્ઝર્વેટીવ તરીકે, અમે આ બાબતને મહત્વ આપીએ છીએ, અને અમારી પાસે બોલ્ડ પગલાં લેવા અને આગામી સંસદમાં બ્રિટિશ એશિયનો માટે ડિલિવરી કરવાની સ્પષ્ટ યોજના છે.’’
આ વર્ષે સરેરાશ કર્મચારીઓ માટે અમે £900ના ટેક્સ કટની રાહત આપી છે તો અમે સરેરાશ કર્મચારીઓ માટે એનઆઇમાં £1,350નો ઘટાડો કરીને કામદારો, માતા-પિતા અને પેન્શનરો માટેના કરમાં ઘટાડો કરીશું. અમે સેલ્ફ એમ્પ્લોય લોકો માટેના એનઆઇના મુખ્ય દરને સંપૂર્ણપણે નાબૂદ કરીશું. તો સ્ટેટ પેન્શન પર ક્યારેય આવકવેરો ન આવે તેની ખાતરી આપવા માટે નવા ટ્રિપલ લોક પ્લસની રજૂઆત કરીશું.’’
તેમણે કહ્યું હતું કે ‘’મહેનતનું વળતર આપવા, નાના બિઝનેસીસને મદદ કરવા માટે સાહસિક પગલાં લઈશું, લાયક રીટેઇલ, હોસ્પિટાલિટી અને લેઝર બિઝનેસીસને બિઝનેસ રેટમાં 75 ટકા રાહત આપીશું, જેને અમે પાંચમા વર્ષ માટે લંબાવ્યું છે. આ ટેક્સમાં ઘટાડો £2.4 બિલિયનનો છે. અમે બિઝનેસ રેટ્સની સમીક્ષા કરીને વધુ ઘટાડો કરવાનું પણ વિચારીશું. અમે ઓપન ફાઇનાન્સ જેવી પહેલો દ્વારા ફાઇનાન્સનો ઍક્સેસ પણ વધારીશું, SME માટે રિપોર્ટિંગને સરળ બનાવીશું અને VAT થ્રેશોલ્ડને સમીક્ષા હેઠળ રાખીશું.’’
ક્લેવર્લીએ કહ્યું હતું કે ‘’કન્ઝર્વેટિવ પક્ષ તમારા ટેક્સમાં ઘટાડો કરશે, જ્યારે લેબર તે કરમાં £2,094નો વધારો કરશે. કન્ઝર્વેટિવ્સ તમારા પેન્શનનું રક્ષણ કરશે, જ્યારે લેબર એક નિવૃત્તિ કર દાખલ કરશે અને સ્ટેટ પેન્શન પર પ્રથમ વખત આવકવેરો લાગુ કરનાર છે. લેબરની ટેક્સ રેઇડ ત્યાં અટકશે નહીં. તમારા પેન્શન, નોકરીઓ, કાર, પારિવારિક ઘરો અને પારિવારિક બિઝનેસીસ સહિત 17 જેટલા વધુ ટેક્સને તેમણે નકારી કાઢવાનો ઇનકાર કર્યો છે. તમે નામ આપશો તેના પર લેબર ટેક્સ લગાવશે – તે તેમના સમાજવાદી ડીએનએમાં છે.’’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘’નાના બિઝનેસીસ માટે અમારું સમર્થન પણ લેબરથી તદ્દન વિપરીત છે. અમે નાના બિઝનેસીસ પરનો બોજ ઉઠાવીશું અને બ્રિટનના સાહસિકોને ટેકો આપીશું. સામે લેબર તેમના પર ફ્રેન્ચ-શૈલીના યુનિયન કાયદાઓ અને અમલદારશાહીનો બોજ નાંખશે. માત્ર ઇંગ્લેન્ડમાં લેબર શું કરશે તેના જોખમો વિશે ચિંતા નથી પણ તેઓ હાલમાં જ્યાં સત્તા ધરાવે છે ત્યાં વેલ્સમાં, લેબર સરકારે બિઝનેસ રેટ્સમાં રાહતની ટકાવારી 75 ટકાથી ઘટાડીને માત્ર 40 ટકા કરી છે. આ દર્શાવે છે કે બ્રિટિશ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન નાના બિઝનેસીસની વાત આવે ત્યારે તેમના પર વિશ્વાસ કરી શકાતો નથી.’’
તેમણે કહ્યું હતું કે ‘’આપણા સહિયારા સંબંધોને પોષવા માટે, અમારી પાસે બ્રિટન અને હેરિટેજના લોકોના દેશો વચ્ચેના સંબંધોને આગળ વધારવાની સ્પષ્ટ યોજના પણ છે. ઉદાહરણ તરીકે ભારતની વાત કરીએ તો અમે એકબીજાની અર્થવ્યવસ્થામાં અડધા મિલિયનથી વધુ નોકરીઓને ટેકો આપી રહ્યા છીએ. બંને દેશો વચ્ચે માલસામાન અને સેવાઓનો કુલ વેપાર 2022માં £16.6 બિલિયન હતો જે વધીને 2023માં £39 બિલિયન થયો હતો. આગામી સંસદમાં અમે મહત્વાકાંક્ષી, ઐતિહાસિક અને વ્યાપક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પૂર્ણ કરીશું જે બંને દેશોને લાભ આપે છે. તેથી, આ ચૂંટણીમાં પસંદગી સ્પષ્ટ છે. આપણા નાના બિઝનેસીસ માટે ઓછા ટેક્સ, સુરક્ષિત પેન્શન અને સપોર્ટ પસંદ કરો. વધુ સુરક્ષિત, વધુ સુક્ષમ, વધુ સમૃદ્ધ ભવિષ્ય માટે 4 જુલાઈએ કન્ઝર્વેટિવને મત આપો.’’