મોદી સરકારે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરતા ધારાને સર્વસંમતીથી સંસદ પસાર કર્યા હતો. જોકે તમામ રાજકીય પક્ષો મહિલાઓને પ્રતિનિધિત્વ આપવામાં ખચકાટ અનુભવી રહ્યાં છે. લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં કુલ 2,823 ઉમેદવારો મેદાનમાં હતા. તેમાંથી માત્ર આઠ ટકા એટલે કે 235 મહિલા ઉમેદવારો હતી.
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 135 અને બીજા તબક્કામાં 100 મહિલા ઉમેદવારો હતા. આમ પ્રથમ બે તબક્કા માટે કુલ મળીને માત્ર 235 મહિલા ઉમેદવારો હતાં.
19 એપ્રિલે યોજાયેલા ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 1,625 ઉમેદવારો મેદાનમાં હતાં. 26 એપ્રિલે યોજાયેલા બીજા તબક્કામાં 1,198 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી.
પ્રથમ તબક્કામાં 135 મહિલા ઉમેદવારોમાંથી તામિલનાડુમાં સૌથી વધુ 76 મહિલા ઉમેદવાર હતા. જોકે આ આંકડો રાજ્યના કુલ ઉમેદવારોના માત્ર 8 ટકા થાય છે. બીજા તબક્કામાં કેરળમાં સૌથી વધુ 24 મહિલા ઉમેદવારો હતાં.
પક્ષવાર દૃષ્ટિએ કોંગ્રેસે બે તબક્કામાં 44 મહિલાઓને અને ભાજપે 69 મહિલાઓને મેદાનમાં ઉતારી હતી. બીજુ જનતા દળ (બીજેડી) એકમાત્ર એવો પક્ષ છે જે એક નીતિ તરીકે 33 ટકા મહિલાઓને ટિકિટ આપે છે.
ભાજપ અને કોંગ્રેસે તેમના ચૂંટણીઢંઢેરામાં સંખ્યાબંધ મહિલા-કેન્દ્રિત વચનો આપ્યાં છે. ભાજપનો ચૂંટણી ઢંઢેરો મહિલાઓના સન્માન અને સશક્તિકરણ માટે નારી શક્તિ વંદન અધિનિયમ (મહિલા અનામત ધારા)નો અમલ કરવાનું વચન આપે છે. કોંગ્રેસે મહિલા સશક્તિકરણ માટે કાયદાકીય સુધારાઓનું વચન આપ્યું છે, જેમાં મહિલા અનામત ધારાના તાત્કાલિક અમલ કરવાનો સમાવેશ થાય છે. આવા વચનો આપ્યા હોવા થતાં મહિલાઓને પ્રતિનિધિત્વ આપવામાં બંને પક્ષો ખચકાટ અનુભવે છે.
દિલ્હી યુનિવર્સિટીની જીસસ એન્ડ મેરી કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડૉ. સુશીલા રામાસ્વામીએ જણાવ્યું હતું કે રાજકીય પક્ષોએ મહિલા ઉમેદવારોને પ્રોત્સાહન આપવા માટે નક્કર પગલાં લેવા જોઈએ. યુકેની લેબર પાર્ટીમાં જોવા મળે છે તેમ પાર્ટીવી માળખામાં મહિલાઓ માટે અનામત બેઠકોનું ઉદાહરણ ટાંકીને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજકીય પક્ષોએ વધુ સક્રિય થવું જોઈએ અને વધુ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા જોઈએ.