182 સભ્યો ધરાવતી ગુજરાતની વિધાનસભામાં માત્ર 16 મહિલા ધારાસભ્ય બની છે. આ વખતની ચૂંટણીમાં કુલ 138 મહિલાઓએ મેદાનમાં ઉતરી હતી, પરંતુ માક્ષ 16નો વિજય થયો હતો. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત વિવિધ રાજકીય પક્ષોએ કુલ 138 મહિલાઓને ટિકિટ આપી હતી. કોંગ્રેસના મહિલા વિજેતા ઉમેદવારની સંખ્યા એક જ છે, તો આપ પાર્ટીના તમામે તમામ 7 મહિલા ઉમેદવારોનો પરાજય થયો હતો.
વિજેતા બનેલી આ 16 મહિલામાંથી 15 વિજેતા મહિલા ઉમેદવાર ભાજપ છે, અને કોંગ્રેસના માત્ર એક મહિલા ઉમેદવાર છે. ભાજપે 17, કોંગ્રેસે 13 અને આપ પાર્ટીએ 7 મહિલા ઉમેદવારોએ ટિકિટ આપી હતી. બીજી બાજુ 55 મહિલાઓએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, જે તમામનો પરાજય થયો હતી. કોંગ્રેસમાંથી એક માત્ર વાવના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો જ વિજય થયો હતો.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 13 મહિલા ઉમેદવારોએ ચૂંટણી જીતી હતી. વર્ષ 2022ની ચૂંટણીમાં વિજેતા મહિલા ઉમેદવારોની કુલ સંખ્યા વધીને 16 થઇ છે. આમ વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે. ભૂતકાળના આંકડાઓ ઉપર નજર કરીયે તો વર્ષ 1985, વર્ષ 2007 અને વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં 16 મહિલા ઉમેદવારો ચૂંટાયાં હતાં. વર્ષ 1972ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી ઓછી માત્ર એક મહિલા ઉમેદવાર વિજેતા થઇ હતી.