વિશ્વના સૌથી ધનિક વ્યકિત અને એમેઝોનના માલિક જેફ બેઝોસ વર્તમાન કોરોના મહામારીના સમયમાં પણ વધુ ધનિક બની ગયા છે. તેનું કારણ એ છે કે કોરોના મહામારીને કારણે લોકોને ઘરે રહેવાનું હોવાથી તેઓ એમેઝોનનો વધુ ઉપયોગ કરી રહ્યાં છે. ગયા સપ્તાહે એમેઝોનના શેરમાં ૫.૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જેના કારણે જેફ બેઝોસ સંપત્તિ વધીને ૧૩૮.૫ બિલિયન ડોલર થઇ ગઇ છે.
ચાલુ વર્ષે વિશ્વના ટોચના ૫૦૦ ધનિકોની સંપત્તિમાં ૫૫૩ બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. જો કે ૨૩ માર્ચની નીચલી સપાટીથી તેમની સંપત્તિમાં ૨૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જો કે નિષ્ણાતોના જણાવ્યું છે કે જે લોકો અતિ ધનિક છે તેમને કોેઇ ચિંતા નથી. તેમની સંપત્તિમાં ઘટાડો થયો છે પણ તેમની ખાવા-પાવાની કોઇ ચિંતા નથી.જો કે કંપનીઓના કર્મચારીઓ પણ પોતાની કંપનીના શેર ખરીદી કરી રહ્યાં છે. તેમને વિશ્વાસ છે કે આ મુશ્કેલ સમય પસાર થઇ જશે અને ફરીથી બધુ ધબક્તું થઇ જશે.
ક્રૂડ ઓઇલના ભાવ ઘટી જવાના કારણે ઓઇલ અને ગેસ કંપનીઓના શેરોમાં પણ મોટો ફટકો પડયો છે. ૨૦૨૦માં બેઝોસની સંપત્તિમાં ૨૪ બિલિયન ડોલરનો વધારો થયો છે. આમ ઉપરાંત ૪ ટકા હિસ્સો ધરાવતા મેક્ેન્ઝી બેઝોસની સંપત્તિ ૮.૨ બિલિયન ડોલર વધીને ૪૫.૩ બિલિયન ડોલર થઇ ગઇ છે. બ્લૂમબર્ગ વેલ્થ રેકિંગ અનુસાર તે ૧૮મા ક્રમે આવી ગયા છે. તેઓ ભારતના સૌૈથી ધનિક મુકેશ અંબાણીથી પણ આગળ વધી ગયા છે.
એમેઝોનની હરીફ કંપની વોલમાર્ટ રિટેલના શેરમાં પણ ચાલુ વર્ષે ૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. એલિસ, જિમ અને રોબ વોલ્ટનની કુલ નેટવર્થ વધીને ૧૬૯ બિલિયન ડોલર થઇ ગઇ છે. તેસ્લાના સીઇઓ એલોન મસ્કની સંપત્તિમાં પણ ચાલુ વર્ષ્ ૧૦.૪ બિલિયન ડોલરનો વધારો થયો છે. ઝૂમ વિડિયોના સ્થાપક એરીક યુઆનની સંપત્તિ પણ બમણી થઇને ૭.૪ બિલિયન ડોલર થઇ ગઇ છે.