ડુંગળીની નિકાસ પર ૩૧ માર્ચ સુધી પ્રતિબંધ ચાલુ રહેશે એવી સ્પષ્ટતા ભારત સરકારે મંગળવારે કરી હતી. ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, ભાવને અંકુશમાં રાખવા તેમજ સ્થાનિક બજારમાં તંગી ટાળવા સરકારે ૮ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ નિકાસ પર પ્રતિબંધનો નિર્ણય લીધો હતો, જે ૩૧ માર્ચ સુધી ચાલુ રહેશે.
ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંઘે જણાવ્યું હતું કે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવવામાં આવ્યો નથી. તેનો અમલ ચાલુ જ છે. સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા જાળવવાની છે. ઉલ્લેખનીય છે કે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની અટકળોને પગલે ભાવમાં ઉછાળો નોંધાયો હતો. ૧૯ ફેબ્રુઆરીએ દેશમાં ડુંગળીના સૌથી મોટા હોલસેલ માર્કેટ લાસલગાંવમાં ડુંગળીના ભાવ ૪૦.૬ ટકા વધીને પ્રતિ ક્વિન્ટલ રૂ.૧,૮૦૦ના સ્તરે પહોંચ્યા હતા. ૧૭ ફેબ્રુઆરીએ તે પ્રતિ ક્વિન્ટલ રૂ.૧,૨૮૦ હતાં.
લોકસભાની આગામી ચૂંટણી પહેલાં ૩૧ માર્ચ પછી પણ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટે તેવી શક્યતા ઓછી છે. કારણ કે ખાસ કરીને મહારાષ્ટ્રમાં ડુંગળીનો વાવેતર વિસ્તાર ઘટવાથી રવી સિઝનમાં ઉત્પાદન ઘટવાનો અંદાજ છે. કૃષિ મંત્રાલયના અધિકારીઓ આગામી દિવસોમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત જેવા ડુંગળીના અગ્રણી ઉત્પાદક રાજ્યોમાં રવી પાકના વાવેતરની સમીક્ષા કરશે.