દેશમાં ડુંગળીના વધતા જતા ભાવોને ધ્યાનમાં રાખીને સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે તમામ પ્રકારની ડુંગળીની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમાં બેંગલૂર રોઝ અને કૃષ્ણાપુરમ ડુંગળી પણ સામેલ છે.
અત્યાર સુધી આ પ્રકારની ડુંગળીની નિકાસ પર કોઇ પ્રતિબંધ ન હતો. એક અધિકારીએ જણાવ્યું છે કે દેશમાં ડુંગળીના ભાવ રહ્યા છે અને દેશમાં તેની અછત સર્જાઇ છે. આ અછત સિઝનલ છે પણ કોવિડ-19 મહામારીને કારણે છેલ્લા કેટલાક મહીનાઓમાં ડુંગળીની મોટા પ્રમાણમાં નિકાસ થઇ છે.
ભારતે એપ્રિલ-જૂન દરમિયાન 19.8 કરોડ ડોલરની ડુંગળીની નિકાસ કરી છે. જ્યારે ગયા વર્ષે સમગ્ર વર્ષમા 44 કરોડ ડોલરની ડુંગળીની નિકાસ થઇ હતી. ભારતમાંથી ડુંગળીની સૌથી વધુ નિકાસ બાંગ્લાદેશ, મલેશિયા, યુએઇ અને શ્રીલંકામાં થાય છે. અત્યાર સુધી માત્ર 15 દિવસ પહેલા રીટેલમાં 15 થી 20 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહેલી ડુંગળીના ભાવ 45 થી 50 રૂપિયા થઇ ગયા છે.
સડી ગયેલી ડુંગળી પણ 25 રૂપિયા કીલોના ભાવે વેચાઇ રહી છે. એશિયાની સૌથી મોટી દિલ્હીની આઝાદપુર મંડીમાં આજે ડુંગળીનો હોલસેલ ભાવ 26 થી 37 રૂપિયાની વચ્ચે રહ્યો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર તેમના ભાવમાં ઉછાળા પાછળ ડુંગળીના પાકને થયેલુ નુકસાન છે. કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદને કરાણે ડુંગળીના ઉભા પાકને નુકસાન થયું છે.