પ્રતિક તસવીર

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના વૈજાપુર તાલુકાના લાડગાંવ ગામમાં રવિવારે ‘ઓનર કિલિંગ’ની કાળજુ કંપાવે તેવી ઘટના બની હતી. કોલેજ સમયના પ્રેમી સાથે ભાગી ગયેલી 19 વર્ષની બહેનનું કથિત રીતે તેના 17 વર્ષના ભાઇએ માતાનો સાથ લઈને માથુ કાપી નાંખ્યું હતું. વધુ કમકમાટીભરી બાબત એ છે કે આ ટીનેજર અને તેની માતાએ મૃતક યુવતીના શરીરથી અલગ થયેલા ધડ સાથે સેલ્ફી પણ લીધી હતી. પોલીસે આ ચકચારી ઘટનામાં 17 વર્ષના સંજય મોટે અને તેની માતા સોભા મોટેની ધરપકડ કરી હતી. મૃતક યુવતીનું નામ કિર્તિ થોરે હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી અને ગર્ભવતી હતી.

પોલીસે જણાવ્યું કે સંજય અને તેની માતાએ મૃતક યુવતીના માથા સાથે સેલ્ફી પણ ક્લિક કરી હતી અને પડોશીને બતાવી હતી. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નિમિત ગોયલે જણાવ્યું હતું કે “છોકરાએ એક મરાઠી ફિલ્મમાંથી પ્રેરણા લીધી હોય તેવું લાગે છે. તેણે રસોડામાં જ પોતાની બહેનનું માથું કાપી નાખ્યું હતું. તે પછી તેણે અને માતાએ યુવતીના માથા સાથે સેલ્ફી લીધી હતી.

ગોયલે કહ્યું હતું. કે “સેલફોન જપ્ત કરી લેવામાં આવ્યો છે પરંતુ એવું લાગે છે કે માતા અને પુત્રએ તે સેલ્ફી ડિલિટ કરી દીધી છે. ફોટો રિકવર કરવા અમે સેલફોનને ફોરેન્સિક એનાલિસિસ માટે મોકલીશું. પોલીસે સ્પષ્ટતા કરી હતી કે આ આંતર-જ્ઞાતિય લગ્ન ન હોવા છતાં, છોકરા અને તેની માતાએ પ્રેમ લગ્ન કરીને સમાજમાં પરિવારી “બદનામી” માટે યુવતીને દોષી ઠેરવતા હતા. પોલીસે આ પૂર્વ આયોજીત હત્યાનું કાવતરુ હોવાની શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે યુવતીની માતા લગભગ 10 દિવસ પહેલા તેને મળવા આવી હતી અને યુવતીને ગળે લગાવીને ખૂબ રડી હતી. જોકે વધુ કંઈ કહ્યા વિના માતા નીકળી ગઈ હતી. જે બાદ આ રવિવારે પરત પોતાના પુત્ર સાથે દીકરીના સાસરે આવી હતી. પોલીસે જણાવ્યું કે ઘટના સમયે યુવતીનો પતિ તેમના ઘરમાં હતો. જોકે પોતાની તબિયત ખરાબ હોવાથી મળીને આરામ કરવા માટે બીજા રૂમમાં ચાલ્યો ગયો. આ દરમિયાન યુવતી ચા બનાવવા રસોડામાં ગઈ ત્યારે તેનો ભાઈ તેની પાછળ આવ્યો અને દાતરડા વડે તેનું માથું કાપી કાપી નાંખ્યું હતું.