અમેરિકામાં પ્રત્યેક સાતથી એક વ્યક્તિ વિદેશમાં જન્મેલી છે. દેશની કુલ આશરે 33 કરોડની વસ્તીમાં કાયદેસરના અને ગેરકાયદેસરના ઇમિગ્રન્ટ્સનું પ્રમાણ આશરે 13.9 ટકા છે, જે અગાઉના વર્ષે 13.6 ટકા હતું, એમ યુએસ સેન્સસ બોર્ડ તાજેતરના ડેટાને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. આ ડેટા જુલાઈ 2022 સુધીના છે.
ઇમિગ્રન્ટની વસ્તીના સંદર્ભમાં મેક્સિકો, ચીન અને ભારત ટોચના ત્રણ દેશો છે. અમેરિકામાં ભારતીયોની વસતી 28.40 લાખ સુધી પહોંચી ગઈ છે. 2021થી 2022 સુધીમાં એક વર્ષના ગાળામાં અમેરિકામાં ભારતીયોની વસ્તીમાં આશરે પાંચ ટકા વધારો થયો છે. ઇમિગ્રન્ટ્સની કુલ સંખ્યામાં ભારતીયોનું પ્રમાણ આશરે 6 ટકા છે.
અમેરિકામાં એક વર્ષ અગાઉ ભારતીયોની વસતી 27 લાખ હતી. એક વર્ષમાં ચાઈનીઝ ઈમિગ્રન્ટ્સની સંખ્યામાં 79,000નો વધારો થયો છે. અમેરિકામાં હાલમાં 28.30 લાખ ચીની લોકો છે. મેક્સિકનોની સંખ્યા 1.06 કરોડ છે અને કુલ ઈમિગ્રન્ટ્સમાં તેઓ 23 ટકા હિસ્સો ધરાવે છે.
USમાં અત્યારે કુલ ઇમિગ્રન્ટ્સમાં ભારતીયો અને ચાઈનીઝ બંનેની વસતી 6 ટકાની આસપાસ છે. ભારતીયોની વસતીમાં એક વર્ષમાં 4.8 ટકા વધારો થયો છે જ્યારે ચાઈનીઝ લોકોની વસતીમાં 3 ટકા વધારો થયો છે.
અત્યારે યુએસમાં સૌથી વધારે ઈમિગ્રન્ટ્સ મેક્સિકન છે પરંતુ તેમની સંખ્યા છેલ્લા એક વર્ષમાં સહેજ ઘટી છે. આ ઉપરાંત અમેરિકામાં શરણાર્થી તરીકે આવતા લોકોની સંખ્યા મોટી છે જેના કારણે અફઘાનિસ્તાન અને વેનેઝુએલાના ઈમિગ્રન્ટ્સમાં વધારો થયો છે. એક્સપર્ટનું કહેવું છે કે યુએસ ઈકોનોમીના વિસ્તરણની સાથે બહારથી લોકો આવે તે જરૂરી છે.
ભારત, ચીન અને મેક્સિકોને બાદ કરવામાં આવે તો બાકીના દેશોના લોકોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. હાલમાં યુએસમાં અફઘાનિસ્તાનના લોકોની સંખ્યા 4.07 લાખ છે જ્યારે વેનેઝુએલાના ઈમિગ્રન્ટ્સની સંખ્યા 6.70 લાખ છે. જોકે, ટકાવારીની રીતે જોવામાં આવે તો તેમના પ્રમાણમાં અનુક્રમે 229 ટકા અને 22 ટકાનો વધારો થયો છે.
અમેરિકન એક્સપર્ટ્સનું કહેવું છે કે અમેરિકાને ટૂંકા ગાળા માટે તથા લાંબા ગાળા માટે કામદારોની જરૂર છે. દરેક પ્રકારની સ્કીલના લોકો યુએસ આવે તે જરૂરી છે. હાલમાં યુએસમાં વિદેશમાં જન્મેલા લોકોની સંખ્યા 4.61 કરોડ છે જે 2012માં 4.08 કરોડ હતી.
યુએસમાં ભારતીયોની સંખ્યા વધી રહી છે, પરંતુ એકંદરે ઈમિગ્રન્ટ્સના પ્રમાણમાં ખાસ વધારો નથી થયો. જુલાઈ 2021થી જુલાઈ 2022 વચ્ચે ઈમિગ્રન્ટ્સની સંખ્યામાં માત્ર 0.3 ટકાનો વધારો થયો છે.