ઝારખંડમાં કોરોનાના નિયમોના ઉલ્લંઘન અને માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને એક લાખ રૂપિયાનો દંડ અને 2 વર્ષની જેલની સજા થઈ શકે છે. ઝારખંડ કેબિનેટે બુધવારે ચેપી રોગ વટહુકમ 2020ને પસાર કર્યો છે.
વટહુકમ મુજબ, સુરક્ષા પ્રોટોકોલના ઉલ્લંઘન કરનાર અને માસ્ક નહીં પહેરનારને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સાથે જ જો કોઈ નવા નિયમોનું ઉલ્લંઘન કરે છે અને માસ્ક પહેરતો નથી તો તેની 2 વર્ષ સુધી જેલમાં રહેવું પડી શકે છે.
જો કે આજે ઉલ્લંઘન કરનારાઓને રોકવા માટે રોડ પર કોઈ ચેકિંગ જોવા મળી નહતી. પાટનગર રાંચીમાં અનેક લોકો માસ્ક વગર જ ફરતા જોવા મળ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ઝારખંડમાં કુલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 6,485 છે જેમાંથી 64 લોકોના મોત થઈ ગયા છે. અત્યાર સુધી 3024 દર્દી સાજા થઈ ગયા છે જ્યારે 3397 એક્ટિવ કેસ છે એટલે કે તેમની સારવાર હજુ ચાલી રહી છે.