દુનિયાભરમાં ઝડપભેર ફેલાઈ રહેલાં કોરોનાવાઈરસની પક્કડમાં એક લાખ કરતાં વધુ લોકો આવી ચૂક્યા છે. મૃત્યુ આંક 4062ને પાર થયો છે. યુરોપમાં છેલ્લાં થોડાંક દિવસોથી કોરોનાવાઈરસના કેસ સતત વધતા જતા હોવાથી દહેશતનો માહોલ ફેલાયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝને કહ્યું હતું કે બધા દેશોએ હજુ ગંભીરતાથી પગલાં ભરવાની જરૂર છે. દુનિયાભરમાં કોરોનાની પક્કડમાં 114,460 લોકો આવી ચૂક્યા છે અને એમાંથી 4062નાં મોત થયાં છે. ચીનમાં કોરોના વાઇરસનો કેર શરૂ થયો હતો જે આજે વિશ્વના 97 દેશોમાં ફેલાઇ ગયો છે. ચીન ઉપરાંત જે દેશોમાં સૌથી વધુ આ વાઇરસની અસર છે તેમાં હવે ઇટાલીનો પણ સમાવેશ થઇ ગયો છે.
ઇટાલીમાં પણ હવે ચીનના વુહાન જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો ઘરોની બહાર નથી નીકળી રહ્યા અને દેશની જેટલી વસતી છે તેનો ચોથો ભાગના લોકો ઘરોમાં કેદ રહેવા મજબુર છે. જ્યારે ત્રણ એપ્રીલ સુધી સ્કૂલો, થીયેટરો, નાઇટ ક્લબ અને મ્યૂઝિયમ વગેરેને બંધ કરી દેવામાં આવ્યા છે.
ચીનમાં એક દિવસમાં 143 નવા કેસ નોંધાયા હતા. ચીનમાં મૃત્યુ આંક 3042 થયો હતો અને કુલ 80552 લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે. ઈરાનમાં 110 જેટલાં લોકોનાં મોત થયા છે ને કુલ 3513 લોકોને વાયરસ હોવાનું જણાયું છે. દક્ષિણ કોરિયામાં 196 કેસ નવા નોંધાતા દોડધામ મચી ગઈ હતી. ત્યાં અત્યાર સુધીમાં 6200 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. અમેરિકામાં 230 કેસ દર્જ થયા છે. ચીન પછી સૌથી વધુ મોત ઈટાલીમાં થયા છે. ઈટાલીમાં 148 લોકો કોરોનાના કારણે દમ તોડી ચૂક્યા છે. કુલ 3858 લોકોને કોરોના હોવાનું નિદાન થયું હતું. પાકિસ્તાનમાં આઠેક દર્દીઓના રીપોર્ટ પોઝીટિવ હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું. 80 જેટલાં દેશોમાં કોરોનાનો ફેલાવો થયો છે એ જોઈને વર્લ્ડ હેલૃથ ઓર્ગેનાઈઝને કહ્યું હતું કે આ કોઈ ડ્રિલ નથી એ વાત બધા દેશોએ સમજવી જોઈએ. કોરોના સામે જે પગલાં ભરાઈ રહ્યા છે તે પૂરતા નથી. વધારે આક્રમકતાથી લડત ચલાવવાની જરૂર છે.
યુકેમાં કોરોના વાઈરસનો મૃત્યુ આંક 6, દર્દીઓ 373
યુકેમાં કોરોના વાઈરસના કારણે છઠ્ઠી વ્યક્તિનું મૃત્યુ થયું હતુ. સોમવારે સવાર સુધીમાં આ રોગના 373 દર્દી હોવાનુ જણાવ્યુ હતુ. બીજી તરફ યુકેમાં વાઈરસને કારણે 100,000 જેટલા લોકોના મૃત્યુનું જોખમ હોવાનું સ્કોટિશ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને કબૂલ્યું હતું. તા. 8 માર્ચ સુધીમાં 23,513 લોકોના ટેસ્ટ કરાયા હતા. દર્દીઓની સારવાર માટે દેશભરની 30 હોસ્પિટલો સ્ટેન્ડ-બાય રખાઇ છે. 80થી વધુની વયના એક દર્દીનુ મૃત્યુ સોમવારે સાંજે વૉટફોર્ડ જનરલ હોસ્પિટલ ખાતે થયુ હતુ. તેમને યુ.કે.માં વાયરસનો ચાપ લાગ્યો હતો. અધિકારીઓ તે વ્યક્તિનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું છે કે ઇટાલીની જેમ બ્રિટનમાં પણ કોરોના વાઈરસના કારણે લોકડાઉનની સ્થિતિ ઉભી થવાનું જોખમ છે અને તે ફક્ત ‘બે અઠવાડિયા દૂર’ છે. યુનિવર્સિટી કોલેજ લંડનના પ્રોફેસર માર્ક હેન્ડલીએ જણાવ્યું હતું કે ઇટાલીમાં કોરોના વાઈરસના ચેપનો દર જોતા યુકે, જર્મની, ફ્રાન્સ, સ્પેઈન, યુએસ અને સ્વિટ્ઝર્લેન્ડમાં પણ તે જ દરે વૃદ્ધિ થઇ રહી છે.
કોરોનાવાઈરસના ગભરાટ અને રશિયા-સાઉદી વચ્ચે ઓઇલની કિંમતના યુદ્ધને પગલે લંડન શેર બજારમાં 140 બિલિયન પાઉન્ડનું માર્કેટ કેપ ધોવાઇ ગયું હતું. એફટીએસઇ100માં 8.5 ટકાનું એટલે કે 550 પોઇન્ટનુ ગાબડુ પડ્યુ હતુ. 2008 પછીનો આ સૌથી મોટો દૈનિક કડાકો છે. એફટીએસઇ 100 આજે ફરી લપસ્યો હતો અને ત્રણ અઠવાડિયામાં કોરોનાવાઈરસની કટોકટી પછી કુલ 1,400 પોઇન્ટ નીચે આવ્યો છે.
યુકેમાં ચીનના વુહાન જેવુ લૉક ડાઉન દાખલ કરાય તેવી સ્થિતીમાં પૂરતી જોગવાઈ ખાતર લોકોએ ભયભીત થઇને મોટા પાયે જીવન જરૂરી ખોરાકી સામગ્રી, જંતુનાશક દવાઓ, હેન્ડ સેનિટાઇઝર્સ, ટોયલેટ ટીસ્યુની ખરીદી કરી હતી, તેના કારણે સુપર માર્કેટ્સની શેલ્ફ ખાલી થઇ ગઇ હતી. સરકારે ચેતવણી આપી છે કે વૉચ ડોગ હેન્ડ સેનિટાઇઝર્સ અને જંતુનાશક સહિતની અન્ય ચીજોના ભાવમાં વધારો કરનારા લોકો અને કંપનીઓ સામે કાર્યવાહી કરી દંડ કરશે. કેનેરી વાર્ફની કંપનીઓએ તેમના બધા કર્મચારીઓને પણ ઘરે મોકલી દીધા હતા.
ફોરેન ઓફિસે નોર્થ ઇટાલીથી બ્રિટિશ પ્રવાસીઓને પરત થવા મંજૂરી આપી આવા લોકોને ક્વોરેન્ટાઇનમાં મૂકવાની ના કહી તેમનો ટેસ્ટ કરાશે નહિ તેમ જાહેર કરાયુ છે.
હાલમાં સાઉથ ઇટાલીથી આવતી તમામ ફ્લાઇટ્સની ચકાસણી કરાતી ન હોવાથી મુસાફરો વાયરસ સાથે યુકેમાં આવી શકે છે. બીજી તરફ નોર્થ ઇટાલીમાં સ્થાનિક લોકોને જેલ અને દંડનો સામનો કરવો પડે છે.
ઇઝિજેટે સોમવારે નોર્થ ઇટાલી જતી બધી ફ્લાઇટ્સ રદ કરી હતી અને તા. 3 એપ્રિલ પછી તેની સમીક્ષા કરશે તેમ જણાવ્યુ હતુ. રાયનએર અને બ્રિટીશ એરવેઝે કહ્યું હતું કે તેમની આવી કોઈ સમીક્ષાની કોઈ યોજના નથી. બ્રિટિશ ફોરેન ઑફિસે નોર્થ ઇટાલીના વિસ્તારોમાં આવશ્યક ન હોય તો મુસાફરી ન કરવા ચેતવણી આપી છે. બ્રિટિશ એરવેઝ, ઇઝીજેટ અને રાયનએર સહિતની એરલાઇન્સ કોરોનાવાઈરસના કારણે લોકડાઉન કરાયેલા નોર્થ ઇટાલીથી યુકેની ડઝનેક ફ્લાઇટ્સ ચલાવે છે અને સરકાર કોરોનાવાઈરસથી બિમાર લોકોની તપાસ કરતી ન હોવાના કારણે રોષ ફેલાયો છે. એરલાઇન ફ્લાયબેએ તેના અચાનક પતન માટે કોરોનાવાઈરસ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. લાંબા સમયથી ચાલતી આર્થિક મુશ્કેલીઓ છતાં ચાલી રહેલી એરલાઇન ખોટકાતા દેશભરમાં હજારો મુસાફરો અટવાઈ ગયા હતા અને 2,000 લોકોની નોકરીઓ જોખમમાં મુકાઇ હતી.