વન જૈન સંસ્થા દ્વારા પર્યુષણ અને દસ લક્ષણ પર્વના આ પાવન પ્રસંગે સહુ તપસ્વીઓને સુખ શાતા સાથે શુભકામનાઓ પાઠવી સૌની તપસ્યા નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી છે. સૌની ધર્મ-આરાધનામાં અભિવૃદ્ધિ થાય અને સુખાકારી સારી રહે તેવી મનોકામના સાથે વન જૈન તરફથી સૌને મિચ્છામિ દુક્કડમ પાઠવવામાં આવ્યા છે.
ગત વર્ષની કોવિડ-19 મહામારીને લઈને વન-જૈન દ્વારા બધી જૈન સંસ્થાઓના સહકારથી વિવિધ પ્રસંગોની વ્યવસ્થા માટે સંસ્થાઓના પ્રમુખો, સેક્રેટરી સાથે ત્રણ (વર્ચ્યુઅલ) કોન્ફરન્સ યોજવામાં આવી હતી. સંસ્થાઓ દ્વારા સહકારી ધોરણે પર્યુષણ અને દસ લક્ષણ પર્વ, કોવિદ-19 માટે સંયુક્ત પ્રતિભાવ અને વસ્તી ગણતરીના કાર્યક્રમમાં જૈનોના પ્રતિભાવનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.
2020માં લોકડાઉન દરમિયાન યોજાયેલ પર્યુષણ અને દસ લક્ષણ પર્વ એ મહત્વનો જૈન તહેવાર હતો. બધા જૈનો પર્વ સારી રીતે ઉજવી શકે અને પોતાનો ધર્મ પાળી શકે તે માટે વનજૈન દ્વારા બધા ભાવિકો, બધા ફિરકાના આચાર્યો, રાજકીય અને કમ્યુનિટી અગ્રણીઓના સહકારથી સંયુક્ત રીતે આરાધના થાય તે માટે એક કાર્યક્રમમાં સહકાર આપવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા
કોવિડની રસી અંગે બધા જૈનોને વૈજ્ઞાનિક સમજ માટે ડોકટરો અને વૈજ્ઞાનિકો સાથે જુદી જુદી ભાષામાં કેટલાક કાર્યક્રમો અને વિડિઓ માર્ગદર્શનનું આયોજન કર્યું હતું. જેને આશરે લગભગ 100,000 લોકોએ જોયા હતા.
આ ઉપરાંત 30થી વધારે જૈન સંસ્થાઓ દ્વારા વૃદ્ધો અને નબળુ આરોગ્ય ધરાવતા લોકો, આરોગ્ય સેવાઓમાં મોખરાનું કાર્ય કરતા લોકો અને અન્ય ગરીબો અને ઘર વગરના લોકો માટે શાકાહારી ભોજન, અનાજ, ઘર વપરાશની વસ્તુઓ અને કપડાં વિતરણના માનવતાવાદી કાર્યો કરાયા હતા.