બ્રિટનની 32 જૈન સંસ્થાઓનું પ્રતિનિધિત્વ ધરાવતી અને બ્રિટનની સરકાર સાથે અને અન્ય ઇન્ટર-ફેઇથ સંસ્થાઓ સાથે કાર્ય કરતી સંસ્થા સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી (IOJ) દ્વારા જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરના જન્મકલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી.
આ સંદર્ભમાં યોજાયેલા ઑનલાઇન કાર્યક્રમમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મેહુલ સંઘરાજકાએ કહ્યું હતું કે ‘ભગવાન મહાવીરે કહ્યું છે કે સર્વ જીવો પ્રત્યે પરસ્પર મૈત્રી રાખવી જોઈએ, કારણ કે એકનું જીવન બીજાના જીવન પર અવલંબિત છે. તાજેતરની મહામારી દરમિયાન અને COP26 સમિટને જોતાં ભગવાન મહાવીરનો આ સંદેશ આજે પણ દુનિયાને માટે ખૂબ જરૂરી છે. કોવિડના ત્રણ વર્ષ પસાર થઈ ગયા પછી હવે આગામી વર્ષે અમે પર્યાવરણની જાળવણીનાં અને થયેલાં અન્ય કાર્યોના સંદર્ભમાં વેસ્ટમિનિસ્ટર પેલેસમાં આ કાર્યક્રમ યોજવાની ભાવના રાખીએ છીએ.’’
મહાવીર જન્મકલ્યાણકના આ કાર્યક્રમનું વિશ્વવ્યાપી સ્તરે પ્રસારણ થયું હતું અને હેરો વેસ્ટના એમ.પી. ગેરથ થોમસ કે જેઓ જૈન ઑલ પાર્ટી ગ્રૂપના ચેરમેન છે, તેમણે સૌનું સ્વાગત કર્યું હતું. ગેરથ થોમસે એમના વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, ‘આ સંસ્થાએ જૈન કોમ્યુનિટીના સભ્યો અને મોટી ઉંમરની વ્યક્તિઓને સહાયરૂપ થાય ઘણા પ્રોજેક્ટ કર્યાં છે.’ હેરો ઈસ્ટના એમ.પી. પદ્મશ્રી બોબ બ્લેકમને સૌનું સ્વાગત કરતાં કહ્યું હતું કે, ‘જૈનોનો અનુકંપાનો વિચાર આજના સમયને માટે ઘણો ઉપયોગી અને જરૂરી છે.’
પ્રોગ્રામના પ્રારંભે ‘વન જૈન’ સાથે જોડાયેલાં જૈન સ્ટુડન્ટ એસોસિયેશને ભવિષ્યનાં આયોજનો વિશે અને યુનિવર્સિટીઓમાં સોસાયટી સ્થાપવાની તેમજ વિશાળ પાયા પર કાર્યક્રમો કરવાની પોતાની યોજના પ્રસ્તુત કરી હતી. જૈન સ્ટુડન્ટ એસોસિએશન એ યુનિવર્સિટીઓમાં કાર્યરત જૈન સોસાયટીનું એક સંગઠન છે. જ્યારે બ્રિટિશ આર્મીના મેજર નિરજ શાહે કહ્યું હતું કે, ‘જૈનો લશ્કરમાં જોડાય તેનાથી એમને એમના સિદ્ધાંતો કે જીવનશૈલી સાથે કોઈ બાંધછોડ કરવી પડતી નથી, બલ્કે એમ કરવાથી એમને નેતૃત્વની અને પ્રવાસની ઘણી તકો મળે છે.’
2021ના અહિંસા ઍવૉર્ડ વિજેતા સતીશ કુમારજીએ ખૂબ ભારપૂર્વક પૃથ્વીની બાયોડાયવર્સિટી જાળવવા અને દરેકનું જીવન એકબીજા પર આધારિત છે એ બાબત પર ભાર મૂક્યો હતો. અંતે જૈન પીડિયા ઓર્ગેનાઇઝેશન ટીમે 2.0 વર્ઝન વિશે વાત કરી હતી અને કઈ રીતે મોબાઈલ ફ્રેન્ડલી ઈન્ટરફેઇસ અને પુસ્તકોની સામગ્રીમાં વધારો કરીને વિદ્વાનોની સાથોસાથ સામાન્ય માનવીઓને એ મદદરૂપ થાય છે એ બતાવ્યું હતું.
મહાવીર જન્મકલ્યાણકના કાર્યક્રમ સમયે વન જૈન દ્વારા સમાજના સભ્યોને ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં શ્રી અમિત લાઠીયાને સમાજસેવા માટે ‘ધ વન જૈન યંગ પર્સન્સ ઍવૉર્ડ’ મળ્યો હતો, તો ‘ધ વન જૈન એક્સલન્સ ઈન કમ્યુનિટી સર્વિસ ઍવૉર્ડ’ શ્રી અશ્વિન મહેતાને આપવામાં આવ્યો હતો. ‘વન જૈન’ દ્વારા જૈન સમાજ માટે પાયાનું અને મહત્વનું કાર્ય કરનાર સ્વ. ડૉ. નટુભાઈ શાહ (MBE) અને પ્રો. કાંતિ મારડિયાને ‘લાઈફ ટાઈમ એચિવમેન્ટ ઍવૉર્ડ’ આપવામાં આવ્યો હતો.
ડૉ. મેહુલ સંઘરાજકાએ કહ્યું કે, ‘અમે વન જૈન એવોર્ડ વિજેતાઓને હૃદયથી અભિનંદન આપીએ છીએ. એમણે કરેલું કાર્ય બીજાને પ્રેરણારૂપ બનશે અને આશા રાખીએ છીએ કે બીજાઓને પણ આ માર્ગે આગળ વધવાનો ઉત્સાહ પ્રાપ્ત થશે.’