ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની ઘાતક બોલિંગની મદદથી ભારતે મંગળવારે રમાયેલી પ્રથમ વન-ડે ક્રિકેટ મેચમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે ધમાકેદાર વિજય મેળવ્યો હતો. લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. જસપ્રિત બુમરાહે તેની વન-ડે કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં 19 રન આપી છ વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડના બેટર્સને ઘૂંટણીયે પાડી દીધા હતા. આ ઉપરાંત મોહમ્મદ શમીએ પણ પ્રભાવશાળી બોલિંગ કરી હતી. બુમરાહના ઝંઝાવાત સામે ઈંગ્લેન્ડની ટીમ 25.2 ઓવરમાં 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બુમરાહે 19 રન આપીને છ વિકેટ ઝડપી હતી.
ઇંગ્લેન્ડના 111 રનના આસાન લક્ષ્યાંકને સુકાની રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ આસાન બનાવી દીધો હતો. ભારતે 18.4 ઓવરમાં 114 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. આ સાથે જ ભારતે ત્રણ મેચની સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી હતી અને અડધી સદી ફટકારી હતી. રોહિત શર્માએ 58 બોલમાં છ ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી 76 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જ્યારે શિખર ધવને 54 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી અણનમ 31 રન નોંધાવ્યા હતા.
ઈંગ્લેન્ડ માટે જેસન રોય અને જોની બેરસ્ટોની ઓપનિંગ જોડીએ ઈનિંગ્સની શરૂઆત કરી હતી. જોકે, જસપ્રિત બુમરાહે પોતાની પ્રથમ ઓવરથી જ સપાટો બોલાવી દીધો હતો. તેણે અને શમીએ ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરને વેરવિખેર કરી દીધો હતો. બુમરાહે ઈંગ્લેન્ડની ઈનિંગ્સની બીજી અને પોતાની પ્રથમ ઓવરના ચોથા બોલ પર જેસન રોયને બોલ્ડ કર્યો હતો. ત્યારપછી ઓવરના અંતિમ બોલ પર તેણે જો રૂટને બોલ્ડ કરીને તેને પણ પેવેલિયન ભેગો કરી દીધો હતો. રોય અને રૂટ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ઈંગ્લેન્ડની ટીમ ઉપરા-ઉપરી બે ઝટકાના આઘાતમાંથી બહાર આવે તે પહેલા જ શમીએ બેન સ્ટોક્સને આઉટ કરી દીધો હતો. સ્ટોક્સ પણ ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન ભેગો થયો હતો.
ઈંગ્લેન્ડના ટોચના છ બેટર્સમાંથી ચાર બેટર ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. એક સમયે ઈંગ્લેન્ડે 68 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ માટે સૌથી વધુ રન સુકાની જોસ બટલરે નોંધાવ્યા હતા. તેણે 32 બોલમાં છ ચોગ્ગાની મદદથી 30 રન નોંધાવ્યા હતા. જ્યારે ડેવિડ વિલીએ 21, બ્રાયડન કાર્સે 15 અને મોઈન અલીએ 14 રનનું યોગદાન આપ્યું હતું.