સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસના કેસ ઝડપથી વધી રહ્યા છે તેવા સમયે ભારત માટે એક ડરામણો અભ્યાસ સામે આવ્યો છે. આઈઆઈટી ભુવનેશ્વર અને એઈમ્સ દ્વારા હાથ ધરાયેલા કોરોના સંબંધિત એક સંયુક્ત અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે શિયાળામાં દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો આવી શકે છે.
આ અહેવાલ મુજબ દેશમાં નવેમ્બર સુધીમાં કોરોના દર્દીઓની સંખ્યા એક કરોડને પાર જઈ શકે છે જ્યારે પાંચ લાખથી વધુ લોકો કોરોનાનો ભોગ બનશે તેવી આશંકા સેવાઈ રહી છે. હાલ ભારતમાં કોરોનાના કુલ કેસ 10 લાખને પાર થઈ ગયા છે અને મૃત્યુઆંક 25,500થી વધુ છે.
આઈઆઈટી ભુવનેશ્વર અને એઈમ્સ ભૂવનેશ્વરના એક સંયુક્ત અભ્યાસમાં કહેવાયું છે કે, ‘શિયાળાની શરૂઆતથી ભારતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઊછાળો આવી શકે છે.’ અભ્યાસ મુજબ તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસના વધારા પછી કોરોના મહામારીના કેસમાં 0.99 ટકાનો ઘટાડો આવી શકે છે.
આસિવાય કેસ બમણા થવાનો સમય લગભગ 1.13 દિવસ વધી શકે છે. અહેવાલમાં જણાવાયું છે કે ભેજમાં વધારાથી કોરોનાના કેસની સંખ્યામાં વધારો થાય છે જ્યારે કેસ બમણા થવાનો સમય લગભગ 1.18 દિવસ ઘટી જાય છે. આમ, ચોમાસામાં કોરોનાના કેસ વધવાની આશંકા છે અને શિયાળામાં તેમાં વધુ ઊછાળો આવી શકે છે.
બીજીબાજુ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ (આઈઆઈએસસી)નો એક અભ્યાસ પણ આઈઆઈટી ભુવનેશ્વર અને એઈમ્સના સંયુક્ત અભ્યાસને ટેકો આપે છે. આઈઆઈએસસીના અભ્યાસમાં દાવો કરાયો છે કે દેશમાં 1લી સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના કેસ 35 લાખ જેટલા થઈ જશે, જે વર્તમાન કેસ કરતાં લગભગ સાડા ત્રણ ગણા વધુ છે.
અત્યારે દેશમાં સરેરાશ દૈનિક 30 હજારથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. આ અભ્યાસ મુજબ દેશમાં સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 10 લાખ જેટલી થઈ શકે છે જ્યારે મૃત્યુઆંક 1.4 લાખ સુધી પહોંચી શકે છે.
આ અભ્યાસ મુજબ ભારતમાં 1લી નવેમ્બર સુધીમાં કોરોના વાઈરસના કેસની સંખ્યા એક કરોડને પાર જઈ શકે છે. 1લી નવેમ્બરે દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 1.2 કરોડ અને મૃત્યુઆંક પાંચ લાખ હોઈ શકે છે. જ્યારે જાન્યુઆરી સુધીમાં મૃત્યુઆંક વધીને 10 લાખ સુધી પહોંચી શકે છે. આ અભ્યાસ મુજબ 1લી જાન્યુઆરીએ દેશમાં કોરોના વાઈરસના કેસની સંખ્યા 2.9 કરોડ હોઈ શકે છે.
આઈઆઈએસસીના અભ્યાસમાં જણાવાયું છે કે માર્ચ, 2021 સુધીમાં ભારતમાં કોરોના પીક પર પહોંચવાની શક્યતા નથી. માર્ચ 2021 સુધીમાં દેશમાં સૌથી સારી સિૃથતિમાં કોરોનાના કેસ 37.4 લાખ જેટલા નીચા સ્તરે હોઈ શકે છે.
જ્યારે સૌથી ખરાબ પરિસિૃથતિમાં કોરોનાના કેસ 6.2 કરોડથી વધુ હશે, જેમાં એક્ટિવ કેસની સંખ્યા 82 લાખ જેટલી હશે. આ સિવાય આ સમય સુધીમાં દેશમાં 28 લાખથી વધુ લોકોના કોરોનાથી મોત થઈ ગયા હશે. જોકે, સૌથી ખરાબ પરિસિૃથતિમાં પણ માર્ચ 2021માં ભારતમાં કોરોનાના કેસ પીક પર નહીં હોય.
જોકે, સૌથી સારી સિૃથતિમાં સપ્ટેમ્બર 2021 સુધીમાં દેશમાં કોરોના પીક પર પહોંચી શકે છે. આ અભ્યાસ મુજબ દેશમાં કોરોનાનો પ્રસાર અટકાવવા માટે સપ્તાહમાં ત્રણેક દિવસના લોકડાઉન અને બાકીના દિવસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના આકરાં પગલાં પર ભાર મૂકવામાં આવ્યો છે.