દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ ગુરુવારે સાત લક્ઝરી ઘડિયાળની કથિત દાણચોરી બદલ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આમાંથી એક ઘડિયાળની કિંમત રૂ.27.09 કરોડની છે. જેને સોના અને હિરાથી મઢેલી છે, એમ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું. આ ઘડિયાળો ગુજરાતના ક્લાયન્ટ માટે લાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના કસ્ટમ કમિશનર ઝુબૈર રીયા કામિલીએ જણાવ્યું હતું કે લક્ઝરી ગૂડ્સ કે કોમર્શિયલ ગૂડ્સના સંદર્ભમાં આ સૌથી મોટી જપ્તી છે. મૂલ્યના સંદર્ભમાં તે એક જ કાર્યવાહીમાં આશરે 60 કિગ્રા સોનું જપ્ત કરવા સમાન છે.
આરોપી ભારતીય નાગરિક છે અને મંગળવારે દુબઈથી દિલ્હી એરપોર્ટ પર આવ્યા બાદ કસ્ટમ અધિકારીઓએ તેને આંતરી લીધો હતો. આ પેસેન્જરની બેગો અને વ્યક્તિગત તપાસમાં સાત કાંડા ઘડિયાળો મળી આવી હતી. આમાંથી જેકોબ એન્ડ કંપનીની ઘડિયાળની કિંમત રૂ.27.09 કરોડ છે.
અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે આરોપી દિલ્હીમાં એક હાઇપ્રોફાઇલ ક્લાન્ટને ડિલિવરી માટે ઘડિયાળો લાવ્યો હતો. આ પેસેન્જર દિલ્હીની એક ફાઇવર સ્ટાર હોટેલમાં આ ક્લાન્ટને મળવાનો હતો, ક્લાયન્ટ ગુજરાતનો હોવાનું માનવામાં આવે છે. ક્લાયન્ટ મીટિંગ માટે આવ્યો ન હતો. આરોપીએ હજુ સુધી ક્લાયન્ટનું નામ જાહેર કર્યું નથી. ઘડિયાળો ઉપરાંત આરોપી પાસેથી ડાયમંડ સાથેનું ગોલ્ડ બ્રેસલેટ અને આઇફોન-14 પ્રો મળી આવ્યો હતો. તેની કિંમત રૂ.28.17 કરોડ થાય છે.