ભારતના લોકપ્રિય ક્રિકેટર વિરાટ કોહલીએ પોતાની નિવૃત્તિના સંકેત આપતા જણાવ્યું કે, હું મારી ક્રિકેટ કારકિર્દીને મારાથી શક્ય બધું જ આપવા ઈચ્છું છું. જ્યારે હું ક્રિકેટમાંથી નિવૃત્ત થઇશ ત્યાર પછી થોડા સમય સુધી હું કોઈને નજર નહીં આવું. કોહલીના મતે તે પોતાની કારકિર્દીનો અંત એમ વિચારીને નથી લાવવા ઈચ્છતો કે કંઈક અધૂરું રહી ગયું છે. કોહલી આ વર્ષે નવેમ્બરમાં 36 વર્ષનો થશે અને તેની ફિટનેસને જોતા તે આગામી બે-ત્રણ વર્ષ સુધી ક્રિકેટ રમે તેવી સંભાવના છે. કોહલી તેની ફિટનેસને કારણે જ આઈપીએલમાં સફળ બેટ્સમેન રહ્યો છે. આઈપીએલમાં તેના નામે આઠ સદી છે અને તે આ સિઝનમાં 13 મેચમાં સૌથી વધુ 661 રન કરનાર બેટ્સમેન હોવાથી ઓરેન્જ કેપ હોલ્ડર પણ છે.
આરસીબી દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાયેલા એક વીડિયો સંદેશમાં કોહલીએ નિવૃત્તિ સંબંધિત વાતો કહી હતી. કોહલીએ કહ્યું કે, કારકિર્દીમાં પછી અફસોસ થાય તેવું કંઈ બાકી રહેવું જોઈએ નહીં અને મને ખાતરી છે કે હું તેમ કરી શકીશ. એક વખત હું કારકિર્દીનો અંત લાવીશ ત્યારપછી થોડા સમય માટે લોકોથી દૂર જતો રહીશ. મારે મારી કારકિર્દીમાં ક્રિકેટને બધું જ આપવું છે અને આ જ જુસ્સો મને આગળ ધપવા પ્રેરિત કરે છે. કોહલી 2008 અંડર-19 વર્લ્ડ કપ પછી રોયલ ચેલેન્જર્સ બેંગલોર સાથે જોડાયો હતો અને ત્યારથી તે આ ફ્રેન્ચાઈઝ તરફથી રમી રહ્યો છે.
કોહલીએ જણાવ્યું કે, ખેલાડી માટે કારકિર્દીનો અંત લાવવાની એક ચોક્કસ સમયમર્યાદા હોય છે. હું મારી કારકિર્દીનો અંત એમ વિચારીને નથી લાવવા ઈચ્છતો કે, તે દિવસે મેં આમ કર્યું હોત તો? મારે અફસોસ સાથે નિવૃત્તિ નથી લેવી. કોહલી આવનાર ટી20 વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમ છે. તેના નામે 113 ટેસ્ટ, 292 વન-ડે અને 117 ટી20માં 26 હજારથી વધુ રન છે. ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં કોહલી (1,141) સર્વાધિક રનનો રેકોર્ડ ધરાવે છે.