ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ગત સપ્તાહે ફરી વળ્યું હતું. સૂસવાટા મારતા બર્ફીલા પવનના કારણે રાજ્યના ભુજ, ડીસા, અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના અનેક શહેરોમાં શીત લહેર ફેલાઇ હતી. રાજ્યના 12 શહેરોમાં લઘુત્તમ ઉષ્ણતામાન 12 ડિગ્રી અને તેનાથી નીચે પહોંચી ગયું હતુ. કચ્છના નલિયામાં માત્ર બે દિવસમાં પારો 11 ડિગ્રી ઘટી જતા રવિવારે 1.4 ડિગ્રી રેકોર્ડ બ્રેક ઠંડી પડી હતી.
બીજીતરફ, આબુમાં માઇનસ 7 ડિગ્રી ઉષ્ણતામાન થઈ જતાં સહેલાણીઓએ આ વાતાવરણની મજા માણી હતી. સમગ્ર કચ્છ કાતિલ ઠંડીથી ઠુંઠવાયુ હતું. ભુજમાં ઠંડીનો પારો પણ સિંગલ ડિજિટમાં 7.6 ડિગ્રી ઉપર પહોંચ્યો હતો. ભારે ઠંડીના કારણે જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું હતું. ઠંડીના પગલે નખત્રાણા, અબડાસાના અનેક વિસ્તારમાં બરફીલી હવા ચાલી હતી. બર્ફીલા પવનોને કારણે જનજીવન પર વ્યાપક અસર પડી હતી.
સોરઠમાં ગત સપ્તાહે વર્ષનો સૌથી વધુ ઠંડીનો દિવસ નોંધાયો હતો. ગિરનાર પર્વત ઉપર ઠંડીનો પારો નીચે ગગડીને 1.1 ડીગ્રીએ નીચે ઉતરી જતા પ્રવાસીઓ ભારો ઠંડા પવન અને ઠંડીમાં ઠુંઠવાઈ જવા પામ્યા હતા. વન્ય પ્રાણીઓ પશુ પક્ષીઓ જીવ જંતુઓ ભારે ઠંડીનો સામનો કરી રહ્યા હતા. સોરઠમાં ગત સપ્તાહે ઠંડીનો પારો ગગડી જતાં સમી સાંજમાં રોડ રસ્તા સુમસામ બની જવા પામ્યા હતા. વહેલી સવારે મોર્નીંગ વોકીંગમાં લગભગ મોટાભાગના લોકોએ માંડી વાળ્યું હતું. ટુ વ્હીલર ખુલ્લા વાહનો રોડ લોકો ભાગ્યે જ નીકળતા જોવા મળ્યા હતા. રવિપાક શિયાળુ મૌલાત માટે ઠંડી ફાયદાકારક હોવાનું કૃષિ વિભાગે જણાવ્યું હતું.
કચ્છમાં કાતિલ ઠંડીએ જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું
પાકિસ્તાનના સીમાડાને અડકીને આવેલા કચ્છ અને બનાસકાંઠાના રણ વિસ્તારો પર ગત રવિવારે દાયકાની સૌથી વધુ કાતિલ ઠંડીએ જનજીવનને મૂર્છિત કરી નાખ્યું હતું અને કચ્છના અબડાસા, નખત્રાણા, રાપર અને પાડોશી બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા થઇ હતી. જયારે કેટલાક સ્થળોએ વાહનો અને મકાનોના છાપરાં પર આછા બરફની ચાદર ફેલાઈ જતાં આ વિસ્તારના લોકોને જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના વિસ્તારો જેવાં શિયાળાનો અનુભવ થવા પામ્યો છે.
અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે રવિવારે લઘુતમ ઉષ્ણતામાનનો આંક ગગડીને ૧ ડિગ્રીની નજીક પહોંચતાં ખૌફનાક ઠંડીએ જનજીવનને ‘ઠાર’ કરી નાખ્યું હતું. કચ્છના સરહદી ગામોમાં કેટલાક સ્થળોએ ઉષ્ણતામાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી જતાં સંખ્યાબંધ પક્ષીઓ થીજી ગયાં હતાં. અબડાસા તાલુકાના નલિયા ઉપરાંત ભવાનીપર, વાયોર, મોટી બેર, બીટ્ટા, તેરા, કંકાવતી જેવાં સ્થળોએ ખેતરોમાં જમીન પર આછા બરફનું આવરણ જોવા મળ્યું હતું.