કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે ભારતના મૂળભૂત સિદ્ધાંતો પર સતત હુમલો કરવામાં આવી રહ્યો છે અને સમાજને “નફરતથી વિભાજિત” કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હીમાં એઆઈસીસી હેડક્વાર્ટર ખાતે કોંગ્રેસના 138માં સ્થાપના દિવસ પર પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યું હતું કે દેશના લોકો મોંઘવારી અને બેરોજગારીથી ફટકો પડ્યો છે, પરંતુ સરકારને તેની પરવા નથી. સર્વસમાવેશી અને બધાને સાથે લઈને આગળ વધવાના કોંગ્રેસના અભિગમથી ભારતની પ્રગતિ થઈ છે.
તેમણે જણાવ્યું હતું કે ભારત માત્ર એક સફળ અને મજબૂત લોકશાહી તરીકે ઉભર્યું નથી, પરંતુ થોડા દાયકાઓમાં તે આર્થિક, પરમાણુ અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સુપર પાવર બની ગયું છે. દેશ કૃષિ, શિક્ષણ, તબીબી, આઈટી ક્ષેત્રે વિશ્વના ટોચના દેશોમાં સ્થાન ધરાવે છે.
આ આપોઆપ બન્યું નથી. આ લોકશાહીમાં કોંગ્રેસની શ્રદ્ધા અને દરેકને સાથે લઈને ચાલવાની અમારી સર્વસમાવેશક વિચારધારાને કારણે તથા બંધારણમાં અમારી સંપૂર્ણ શ્રદ્ધાને કારણે દેશની આ પ્રગતિ થઈ છે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે “ભારતના પાયાના સિદ્ધાંતો પર સતત હુમલો કરવામાં આવી રહ્યો છે. સમાજને નફરતથી વિભાજિત કરવામાં આવી રહ્યો છે, લોકો મોંઘવારી અને બેરોજગારીથી પ્રભાવિત છે પરંતુ સરકારને કોઇ પરવા નથી.
ખડગેએ પાર્ટીના ભૂતપૂર્વ વડા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની હાજરીમાં AICC હેડક્વાર્ટર ખાતે પાર્ટીનો ધ્વજ પણ ફરકાવ્યો હતો. રાહુલ ગાંધી શિયાળાની ઠંડી વચ્ચે ફરીથી સફેદ ટી-શર્ટ પહેરેલા જોવા મળ્યા હતા.
આ પ્રસંગે રાહુલ ગાંધીએ હિન્દીમાં ટ્વિટ કર્યું હતું કે “મને ગર્વ છે કે હું એવી સંસ્થાનો એક ભાગ છું કે જે દરેક પરિસ્થિતિમાં સત્ય, અહિંસા અને સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો છે અને હંમેશા જનહિતમાં દરેક પગલા ભર્યાં છે.
—