સરદાર વલ્લભભાઇ પટેલની જયંતી નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગરસ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાની પૂજા કરીને સમગ્ર દેશવાસીઓ તરફથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ તેઓ એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં ઉપસ્થિત રહી પોલીસદળના જવાનો દ્વારા થનારી એકતા પરેડનું નિરીક્ષણ કરશે અને તમામ લોકોને રાષ્ટ્રીય એકતા દિવસના શપથ પણ લેવડાવશે.
વડાપ્રધાનશ્રી આ વર્ષે યોજાનારા ‘આરંભ’ (AARAMBH) કાર્યક્રમમાં હાજરી આપી ઓફિસર તાલીમાર્થીઓને સંબોધિત કરશે. આરંભ કાર્યક્રમનું આ પાંચમું સંસ્કરણ હશે, જેની આ વર્ષની થીમ છે, ‘હારનેસિંગ ધ પાવર ઓફ ડિસરપ્શન’.
આ સાથે જ વડાપ્રધાનના હસ્તે વિવિધ વિકાસકામો અને પ્રવાસન આકર્ષણોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે, જેમાં ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ 5 પ્રોજેક્ટ્સ, 3 પ્રવાસન આકર્ષણો અને 3 ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી (SOUADTGA) પ્રકૃતિ, સંસ્કૃતિ અને પાણી (નેચર, વોટર એન્ડ કલ્ચર)ના સંરક્ષણ સાથે એકતાનગરનો વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીએ પ્રકૃતિના સંરક્ષણ માટે ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ પાંચ પ્રોજેક્ટ્સનું આયોજન કર્યું છે. જેમાં 30 ઇ-બસો, પબ્લિક બાઇક શેરિંગ, ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સિટિ ગેસનું વિતરણ અને એકતાનગરમાં આવતા પ્રવાસીઓના સરળ ટ્રાન્સપોર્ટેશન માટે ગોલ્ફ કાર્ટ્સ જેવી સુવિધાઓનું લોકાર્પણ તેમજ 4 મેગાવોટ સ્થાપિત ક્ષમતા સાથેના સોલાર પેનલ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

LEAVE A REPLY