રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી અને લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીરને સોમવારે બંને વચ્ચેની મેચ દરમિયાન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો. લો-સ્કોરિંગ રોમાંચક મેચમાં RCB વિજયી થયા પછી કોહલી અને ગંભીર વચ્ચે મેદાન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી. તેમાં કેટલાંક ખેલાડી સામેલ થયા હતા.
IPLએ એક નિવેદનમાં કહ્યું હતું કે “લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીરને ટાટા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ દરમિયાન IPL આચાર સંહિતાનો ભંગ કરવા બદલ તેની મેચ ફીના 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરના વિરાટ ખેલાડીને પણ મેચ ફીના 100 ટકા દંડ કરવામાં આવ્યો હતો. લખનૌ સુપર જાયન્ટ્સના બોલર નવીન-ઉલ-હકને તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
મેચ સમાપ્ત થયા પછી કોહલી અને ગંભીરે હાથ મિલાવ્યાં હતાં અને બધું સારું લાગતું હતું,પરંતુ તે તોફાન પહેલાની શાંતિ હતી. તે પછી એલએસજીના ઓપનિંગ બેટર કાયલ મેયર્સ કોહલી પાસે ગયા અને કંઈક કહ્યું હોય તેવું લાગ્યું. ત્યારપછી ગંભીર આવ્યો અને મેયર્સને લઈ ગયો, પરંતુ ગુસ્સો કરવા લાગ્યો. બાદમાં, મેચના દ્રશ્યો દર્શાવે છે કે ગંભીર અને કોહલી ચર્ચામાં સામેલ હતા. કેટલાક અન્ય ખેલાડીઓ અને લખનૌના સુકાની કેએલ રાહુલે બંનેને અલગ કર્યા હતું. રાહુલ અને કોહલીએ બાદમાં વાતચીત પણ કરી હતી.