સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ તીર્થ ખાતે શ્રદ્ધાળુઓના આસ્થાના જતનની સાથે સાથે પર્યાવરણ શુદ્ધિકરણનો મહાયજ્ઞ પણ આરંભ્યો છે. આ મહાયજ્ઞ હેઠળ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં દર વર્ષે સરેરાશ એક કરોડ લીટર કરતાં વધુ પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ ટ્રસ્ટે અનેક પર્યાવરણલક્ષી પ્રકલ્પો હાથ ધર્યા છે. આ પ્રકલ્પ પૈકીના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અત્યાર સુધીમાં ૭ કરોડ ૮૮ લાખ લીટરથી વધુ દુષિત પાણીને શુદ્ધ કરવામાં આવ્યું છે.
આ પાણીનો ઉપયોગ તીર્થધામને હરિયાળું બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આ અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટે શરૂમાં એક પ્લાન્ટ લગાવ્યો, પણ તેની સફળતા પછી અતિથિ ગૃહ, યાત્રી સુવિધા ભવન, ચોપાટી અને પાર્કિંગ સહિતના ક્ષેત્રોમાં લગાવાયો, જેના પગલે દર મહિને સરેરાશ ૨૬ લાખ લીટર પાણીનું શુદ્ધિકરણ થઈ રહ્યું છે. ચાલુ વર્ષે ફેબ્રુઆરી સુધીમાં ૫૧ લાખ લીટર પાણી શુદ્ધ કરાયું છે.