કોરોનાના ખતરનાક ગણાતા ઓમિક્રોન વેરિયન્ટનની ગુરુવાર, 2 ડિસેમ્બરે ભારતમાં એન્ટ્રી થઈ છે. કર્ણાટકમાં આ નવા વેરિયન્ટના બે કેસ નોંધાયા છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું. કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાવાની શક્યતા ધરાવે છે. નવો વેરિયન્ટ ડેલ્ટાથી 5 ગણો ઝડપથી ફેલાતો હોવાનું માનવામાં આવે છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઓમિક્રોન વેરિયન્ટને બે કેસ કર્ણાટકમાં નોંધાયા છે. ગુપ્તતાનું રક્ષણ કરવા માટે હાલમાં આ બંનેની ઓળખ જાહેર કરવામાં આવશે નહીં. બંને દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોનું ટ્રેસ કરવામાં આવ્યા છે અને તેમનું ટેસ્ટિંગ ચાલુ છે. વૈશ્વિક સ્તરે ચિંતા ઊભી કરનારા આ વેરિયન્ટના ભારતમાં કેસને પ્રથમ વખત સત્તાવાર પુષ્ટી આપવામાં આવી છે. ઓમિક્રોનથી સંક્રમિત દર્દી પૈકીના એકની ઉંમર 46 વર્ષ અને બીજાની ઉંમર 66 વર્ષ છે. ઓમિક્રોનના જોખમ વચ્ચે દિલ્હીમાં એના જોખમી દેશોમાંથી વધુ 4 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા.
વિશ્વમાં અત્યાર સુધી ઓમિક્રોનના 29 દેશમાં ફેલાયો છે. મંત્રાયલે જણાવ્યું હતું કે દેશની 49 ટકા વસ્તીને વેક્સિનના બંને ડોઝ લાગ્યા છે. ઘરે-ઘરે જઈને વેક્સિન લગાવવાનું અભિયાન શરૂ થઈ ચૂક્યું છે. દેશમાં હાલ કોરોનાના 99763 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 9,765 નવા કેસ નોંધાયા છે.