મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિયન્ટના સાત અને દિલ્હીમાં એક નવા કેસ સાથે રવિવાર, 5 ડિસેમ્બરે ભારતમાં આ નવા વેરિયન્ટના કુલ કેસની સંખ્યા વધીને 12 થઈ હતી. રવિવારે તાન્ઝાનિયાથી દિલ્હી આવેલા 37 વર્ષના વ્યક્તિમાં ઓમિક્રોન વેરિયન્ટ હોવાનું ટેસ્ટમાં બહાર આવ્યું હતું. મહારાષ્ટ્રમાં વિદેશથી આવેલા ચાર વ્યક્તિઓ અને તેમના ક્લોઝ કોન્ટેક્ટ સહિત ઓમિક્રોન પોઝિટવ આવ્યા હતા. આમાંથી છ વ્યક્તિઓ એક પરિવારના સભ્યો છે. આ લોકો નાઇજિરિયાથી આવ્યા હતા.
અગાઉ શનિવારે જામનગરમાં 72 વર્ષના એનઆરઆઇ વ્યક્તિ અને મહારાષ્ટ્રમાં 33 વર્ષના વ્યક્તિમાં ઓમિક્રોન વેરિયન્ટ હોવાનું ટેસ્ટમાં બહાર આવ્યું હતું. આ બંને વ્યક્તિઓ અનુક્રમે ઝિમ્બાબ્વે અને સાઉથ આફ્રિકામાંથી આવ્યા હતા. આ બંને દેશો “એટ રિસ્ક” કેટેગરીમાં આવે છે. દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિયન્ટના આ પ્રથમ કેસો છે.
ગુજરાતના હેલ્થ કમિશનર જય પ્રકાશ શિવહરેએ પુષ્ટિ આપી હતી કે જામનગરના બિનનિવાસી ભારતીય વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના ડિરેક્ટર ડો. અર્ચના પાટીલે પુષ્ટી આપી હતી કે મુંબઈ નજીકના કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ એરિયામાંથી એક વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે. પશ્ચિમ ભારતના રાજ્યોમાં ઓમિક્રોન વેરિયન્ટના આ પ્રથમ કેસો છે.
દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને પ્રથમ બે કેસ ગુરુવારે કર્ણાટકમાં નોંધાયા હતા. સાઉથ આફ્રિકાથી આવેલા 66 વર્ષના એક વ્યક્તિ અને 46 વર્ષના બેંગલુરુના ડોક્ટર ઓમિક્રોન પોઝિટિવ આવ્યા હતા. આ ડોક્ટર કોઇ ટ્રાવેલ હિસ્ટરી ધરાવતા ન હતા. બંને વ્યક્તિઓએ વેક્સિનના બંને ડોઝ લીધેલા છે.
જામનગરમાં નવા વેરિયન્ટથી પોઝિટિવ આવેલા એનઆરઆઇ 28 નવેમ્બરે ઝિમ્બાબ્વેથી આવ્યા હતા અને બે ડિસેમ્બરે કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમના સેમ્પલ જિનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. આ વ્યક્તિ ફૂલી વેક્સિનેટેડ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
જામનગરના મ્યુનિસિપલ કમિશનર વિજય કુમાર ખરાડીએ જણાવ્યું હતું કે આ વ્યક્તિ છેલ્લાં ઘણા વર્ષોથી ઝિમ્બાબ્વેમાં રહે છે અને સસરાને મળવા માટે જામનગર આવ્યા હતા. તેમને તાવ આવ્યો હતો અને ડોક્ટરે આરટી-પીસીઆર ટેસ્ટની ભલામણ કરી હતી. ગુરુવારે પ્રાઇવેટ લેબોરેટરીએ મ્યુનિસિપલ સત્તાવાળાને જાણ કરી હતી કે તેમના રિપોર્ટ કોરોના પોઝિટિવ છે. આ પછી વ્યક્તિને ગુરુ ગોવિંદ સિંહ ગવર્નમેન્ટ હોસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવ્યા હતા. જિલ્લા સત્તાવાળાએ પ્રોટોકોલ મુજબ કોન્ટેક્ટ ટ્રેસિંગ ચાલુ કર્યું હતું.